નવી દિલ્હી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકીના મામલાની તપાસ કરવા એનઆઈએની ટીમ આજે નાગપુર જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએની ટીમ પોલીસ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો લીધા બાદ તેની તપાસ શરૂ કરશે.
નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચમાં 110 કરોડની ખંડણીની ધમકીઓ મળી હતી. નાગપુર પોલીસે તેની તપાસમાં ખુલાસો કર્યો હતો કે આ કેસમાં પકડાયેલ આરોપી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે. આ કેસમાં નાગપુર પોલીસે બેલગામ જેલમાંથી જયેશ પૂજારી નામના ગેંગસ્ટરની ધરપકડ કરી હતી. ગેંગસ્ટરે બેલગામ જેલમાંથી જ કોલ કર્યો હોવાની સુરાગ મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. નાગપુર પોલીસની તપાસમાં જયેશ પૂજારીના આતંકવાદી સંગઠનો સાથે સંબંધના મહત્વના સુરાગ મળ્યા હતા ત્યારબાદ મામલો એનઆઈએને સોંપવામાં આવ્યો હતો.
એનઆઈએએ કેન્દ્રીય મંત્રીને ધમકી આપવા બદલ બેંગલુરુમાં કેસ નોંધ્યો હતો અને કેન્દ્રીય એજન્સીના મુંબઈ યુનિટને તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એનઆઈએની ટીમ ધરપકડ કરાયેલા આરોપીઓના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને અંડરવર્લ્ડ સાથે કનેક્શનની તપાસ કરશે.
આ મામલે પોલીસે કહ્યું હતું કે 14 જાન્યુઆરીના રોજ પૂજારીએ નાગપુરમાં ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં ધમકીભર્યો ફોન કર્યો હતો. તેણે ફોનમાં 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને દાઉદ ઈબ્રાહિમ ગેંગનો સભ્ય હોવાનો દાવો કર્યો હતો. ફોન કર્યો તે સમયે તે પડોશી રાજ્ય કર્ણાટકની જેલમાં બંધ હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ 21 માર્ચે બીજો કોલ કર્યો હતો. જો તે 10 કરોડ રૂપિયા નહીં આપે તો નાગપુરના ભાજપના લોકસભા સાંસદને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી. પૂજારીની 28 માર્ચે કર્ણાટકના બેલાગવી શહેરની જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને નાગપુર લાવવામાં આવ્યો હતો અને તેની સામે કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.
એનઆઈએની ટીમ નીતિન ગડકરી પાસેથી ખંડણી મામલે તપાસ માટે નાગપુરમાં ધામા નાખશે
Total Visiters :213 Total: 1384720