બેંગલુરૂ
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે. આ માહિતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી પ્રિયંક ખડગેએ આપી હતી. આ સાથે તેમણે આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપી હતી.
પ્રિયંક ખડગેએ કહ્યું કે જો રાજ્યમાં શાંતિ ભંગ કરાશે તો તેમની સરકાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી શકે છે. તેમણે કહ્યું, “ભાજપ એક ઢીલી તોપ બની ગયો છે. તેમની જીભ અને તેમના મગજ વચ્ચેનું જોડાણ હવે રહ્યું નથી. તેઓ બોલતા પહેલા વિચારતા નથી. તેઓ વિચારે છે કે તેઓ કંઈપણ બોલશે અને પછી બચી જશે. કર્ણાટકમાં હવે આવું નહીં થાય. લોકોએ હવે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેઓ શું બોલી રહ્યા છે.
આરએસએસ પર પ્રતિબંધ અંગે પ્રિયંક ખડગેએ કહ્યું, “જો કોઈ ધાર્મિક, રાજકીય કે સામાજિક સંગઠન કર્ણાટકમાં અસંતોષ અને વૈમનસ્ય ફેલાવશે તો તેને સાંખી નહીં લેવાય. અમે તેમની સાથે કાયદાકીય અને બંધારણીય રીતે કાર્યવાહી કરીશું. ભલે પછી તે બજરંગ દળ હોય કે પીએફઆઈ હોય કે અન્ય કોઈપણ સંગઠન. જો તેમનાથી કર્ણાટકની કાયદો અને વ્યવસ્થા સામે ખતરો ઊભો થશે તો અમે તેમના પર પ્રતિબંધ મૂકતા ખચકાશું નહીં.
એમેનેસ્ટી ઈન્ડિયાએ કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાની માગ કરી છે. આ અંગે પ્રિયંકે કહ્યું, “અમારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે. અમે આવા આદેશની સમીક્ષા કરીશું. અમે એવા દરેક બિલની સમીક્ષા કરીશું જે કર્ણાટકની આર્થિક નીતિઓની વિરુદ્ધ છે. એવા દરેક બિલ પર વિચાર કરવામાં આવશે, જેના કારણે રાજ્યની ખરાબ છબિ ખરડાઈ રહી છે. જો જરૂરી હશે તો આવા બિલને નકારી કાઢવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધનો નિર્ણય અગાઉની ભાજપ સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ મામલે ભારે વિવાદ થયો હતો. પછી આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયો. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હિજાબ પર રોક અને બજરંગ દળ પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ ખૂબ ઉઠાવવામાં આવ્યા હતા.
કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચાવાની શક્યતા
Total Visiters :182 Total: 1378658