નવા સંસદ ભવનના ઉદ્ગાટનમાં આંધ્ર-ઓડિશાના મુખ્યપ્રધાન હાજર રહેશે

Spread the love

નવી દિલ્હી
આંધ્ર પ્રદેશના શાસક વાયએસઆરસીપીના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ ગઈકાલે પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપશે. જો કે તેલુગુ દેશમ પાર્ટીએ હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.
આ પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંમતિ આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. આ ઘટનાને ઐતિહાસિક ગણાવતા મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેમની પાર્ટી લોકશાહીની સાચી ભાવના સાથે તેમાં ભાગ લેશે. ભવ્ય અને વિશાળ સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં રેડ્ડીએ ટ્વીટ પણ કર્યું હતું. લોકશાહીની સાચી ભાવનામાં મારી પાર્ટી આ ઐતિહાસિક ઘટનામાં ભાગ લેશે. આ દરમિયાન રેડ્ડીએ રાજકીય પક્ષોને આ પ્રસંગે રાજકીય મતભેદોને બાજુ પર રાખવા આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે આવા શુભ પ્રસંગનો બહિષ્કાર કરવો એ લોકશાહીની સાચી ભાવના નથી.
રાજ્યની મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટીએ હજુ સુધી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા અંગે સંમતિ જાહેર કરી નથી. પાર્ટીના પ્રવક્તા પટ્ટાભીરામ કોમરેડ્ડીએ જણાવ્યું હતું કે ટોચનું નેતૃત્વ એક-બે દિવસમાં આ અંગે ઔપચારિક જાહેરાત કરી શકે છે. દેશમાં કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ ગઈકાલે જાહેરાત કરી હતી કે તેઓ સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો સામૂહિક રીતે બહિષ્કાર કરશે.
વિપક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં કારણ આપ્યુ હતું કે આ સરકારના કાર્યકાળમાં સંસદમાંથી લોકશાહીની આત્મા હટાવી દેવામાં આવી છે અને રાષ્ટ્રપતિને સમારોહમાંથી દૂર રાખી ‘અશિષ્ટ કૃત્ય’ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓએ એવો પણ આક્ષેપ કર્યો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઉદ્ઘાટન સમારોહથી દૂર રાખવા અને નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય લોકશાહી પર સીધો હુમલો છે.

Total Visiters :164 Total: 986858

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *