શ્રીનગર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દુધની ખરીદી માટે બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ કામદારની લશ્કર-એ-તોયબાના આતંકીઓએ સોમવારે ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ રિજનના ઉધમપુર જિલ્લાનો નિવાસી કામદાર દીપુ કુમાર જંગલાત મંડી વિસ્તારમાં એક સર્કસમાં કામ કરી રહ્યો હતો. સરકારે દીપુ કુમારના પરિવારને રૂ. ૫ લાખની સહાયની જાહેરાત કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, જંગલાત મંડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી એક સર્કલ લાગ્યું છે, જેને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. વધુમાં સર્કસની પોતાની સિક્યોરિટી પણ છે. દીપુ કુમાર સોમવારે સાંજે દુધ ખરીદવા માટે નજીકના બજારમાં જતો હતો ત્યારે બે મોટરસાઈકલ સવારોએ તેને ગોળી મારી દીધી હતી. દીપુને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, આતંકીઓએ અનંતનાગમાં જંગલાત મંડી નજીક અમ્યુઝમેન્ટ પાર્કમાં એક ખાનગી સર્કસ મેળામાં કામ કરતા દીપુને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબાના ઓછા જાણિતા આતંકી જૂથ કાશ્મીર ફ્રીડમ ફાઈટરે ઊઠાવી છે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ મૃતક દીપુ કુમારના પરિવારજનોને રૂ. ૫ લાખની સહાયની જાહેરાત કરી હતી. આ સાથે મનોજ સિંહાએ જમ્મુમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પણ રૂ. ૫ લાખ અને ગંભીર ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ આપવાની જાહેરાત કરી હતી.
ઉધમપુર નિવાસી દીપુ કુમારની હત્યાના વિરોધમાં ઉધમપુર જિલ્લામાં મંગળવારે સેંકડો લોકોએ રસ્તા પર દેખાવો કર્યા હતા. ખયાલ સુન્હાલ પંચાયતના સભ્ય રાજેશ કુમારના નેતૃત્વમાં દેખાવકારો બાતાલ ચોકમાં એકત્ર થયા હતા અને ધાર માર્ગ બંધ કરી દીધો હતો અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. વધુમાં રાજેશ કુમારે મનોજ સિંહાને દીપુ કુમારના પરિવાર માટે આજીવિકાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. દીપુ કુમારના પરિવારમાં તે એકલો જ કમાનાર હતો. તેના પરિવારમાં એક અંધ ભાઈ, તેની પત્ની અને બે સંતાનો અને વૃદ્ધ પિતાનો સમાવેશ થાય છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકી હુમલામાં માર્યો ગયેલ બિન મુસ્લિમ કામદાર દીપુ કુમારનો પરિવાર ગરીબીમાં જીવે છે અને પરિવારમાં તે એકલો જ કમાનાર વ્યક્તિ હતો.
તેની પત્ની જૂનમાં બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. તેના મૃતદેહને મંગળવારે ઉધમપુર જિલ્લાના થિયાલ ગામ લઈ જવાયો હતો. અહીં હૃદય વિદારક દૃશ્યો સર્જાયા હતા. દીપુ કુમારની હત્યા પછી ગરીબી રેખા નીચે જીવતા તેના પરિવારને અંતિમ વિધિમાં મદદ કરવા સ્થાનિક લોકો આગળ આવ્યા હતા.
અનંતનાગમાં તોયબાના આતંકીઓએ હિંદુ યુવકની હત્યા કરી
Total Visiters :167 Total: 1362382