મહારાષ્ટ્રમાં ખેડૂતો માત્ર એક રૂપિયામાં પાક વીમો લઈ શકશે

Spread the love

મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાને કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો 1 રૂપિયામાં લઈ શકશે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ નહીં ચૂકવવું પડે કારણકે તેમના ભાગનું 2 ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવી દેશે. માર્ચ મહિનામાં રાજ્યના બજેટ વખતે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. વીમા કંપનીઓના નફાને નિયંત્રિત કરતાં મોડલને પણ કેબિનેટે મંજૂરી આપી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, “ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ ફક્ત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમને પ્રીમિયમ ચૂકવવાની જરૂર નહીં પડે.” આ સિવાય બજેટ વખતે કરવામાં આવેલી અન્ય એક જાહેરાતને પણ અમલમાં મૂકવાની મંજૂરી મળી ગઈ છે. નમો શેતકરી મહાસન્માન નિધિને મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત ખેડૂતોને વધારાના છ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે. આ યોજનાનો લાભ 1 કરોડ જેટલા ખેડૂતોને મળશે. કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજના હેઠળ હાલ ખેડૂતોને છ હજાર રૂપિયા ચૂકવાય જ છે. એટલે હવે કેંદ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ 12,000 રૂપિયાની સહાય ખેડૂતોને દર વર્ષે મળી રહેશે.

આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં રકમ ચૂકવવામાં આવશે. 2-2 હજારના ત્રણ હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થશે. આ યોજના અંતર્ગત મહારાષ્ટ્ર સરકારને 6,900 રૂપિયાનો ખર્ચ થશે. 2023-24માં આ યોજનાના અમલ માટે સરકારે 6,900 રૂપિયાની રકમ ફાળવવાનું અગાઉથી જ નક્કી કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રમાં આ યોજના વિશે વાત કરતાં સરકારનો દાવો હતો કે, ખેડૂતોના આર્થિક સુધારામાં આ યોજનાની મહત્વની ભૂમિકા રહેશે.
આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આગામી ત્રણ વર્ષમાં 25 લાખ હેક્ટર જમીન ઓર્ગેનિક ખેતી માટે ફાળવવામાં આવશે. 1,000 બાયો ઈનપુટ સોર્સ સેન્ટરો સ્થાપિત કરીને ડૉ. પંજાબરાવ દેશમુખ ઓર્ગેનિક મિશનને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Total Visiters :169 Total: 1384717

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *