ભાજપે દરેકને પાકા મકાન, 24 કલાક વીજળી સહિતના વચન પૂરા નથી કર્યા

Spread the love

નવી દિલ્હી
વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કરી દીધા છે. પીએમ મોદીએ વર્ષ 2014માં 26મી મેએ કેન્દ્ર સરકારની સત્તા સંભાળી હતી. વર્ષ 2014માં ભાજપે મોદી લહેર પર સવાર થઈને પ્રચંડ બહુમત મેળવ્યો હતો. આ 9 વર્ષમાં નરેન્દ્ર મોદીએ પ્રજાના હિતમાં સ્વચ્છ ભારત અભિયાનથી લઈને જનધન યોજના… તમામ ભારતીયોને પાક્કુ મકાનથી લઈને તમામ ઘરોમાં પાણીની સુવિધા જેવી ઘણી યોજનાઓની શરૂઆત કરી. વર્તમાન સરકારે આ જાહેરાતો અને યોજનાઓને પૂર્ણ કરવા માટે એક સમયગાળો નક્કી કર્યો હતો. હવે સવાલ એ થાચ છે કે, શું પીએમ મોદીએ આ યોજનાઓ માટે નિર્ધારિત કરેલો લક્ષ્ય પૂરો થઈ શક્યો છે ? તો જાણીએ મોદી સરકારે 2022 સુધી નિર્ધારીત કરેલા કયા 5 વાયદા પૂર્ણ થઈ શક્યા નથી ?
મોદી સરકારે 2022 સુધીમાં આ 5 વાયદા પૂર્ણ કરવાનું વચન તોડ્યું
(1) તમામ ભારતીય પરિવારોને પાક્કું મકાન
કેન્દ્ર સરકારની આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એક મહત્વપૂર્ણ યોજના છે. પીએમ મોદી દ્વારા 2015માં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભારતના દરેક પરિવારને પાક્કું મકાન પૂરું પાડવાનો હતો. જો કે લક્ષ્યાંક પૂરો ન થતાં યોજનાની મુદત વર્ષ 2024 સુધી લંબાવાઈ હતી.
(2) તમામ ઘરોમાં 24 કલાક વીજળીની સુવિધા
તમામને પાકું ઘર આપવાની જાહેરાતની જેમ જ સપ્ટેમ્બર 2015માં વડાપ્રધાને કહ્યું હતું કે, 2022 સુધીમાં ભારતના દરેક ઘરને 24 કલાક વીજળી મળશે. આ જાહેરાતની ડેડલાઈન પણ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ભારતના તમામ ઘરોમાં 24 કલાક વીજળી પહોંચી શકી નથી.
(3) દેશને 5 અબજ ડૉલરનું અર્થતંત્ર કરવાનીની ડેડલાઈન પણ પૂર્ણ
વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર-2018માં જણાવ્યું હતું કે, આગામી 4 વર્ષમાં એટલે કે 2022 સુધીમાં ભારત 5 અબજ ડોલરનું અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. જોકે હજુ સુધી આ ટાર્ગેટ પૂરો થઈ શક્યો નથી. દેશની અર્થવ્યવસ્થા હાલમાં લગભગ 3 અબજ ડોલર પર અટકેલી છે.
(4) ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
વર્ષ 2017માં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 2022 સુધીમાં દેશના તમામ ખેડૂતોની આવક બમણી કરાશે. કેન્દ્ર સરકાર 2021 સુધી કેન્દ્ર સરકારના દરેક વાર્ષિક બજેટમાં આ વાતનો ઉલ્લેખ કરતી રહી હતી. જોકે હજુ સુધી આ લક્ષ્યાંક પાર પડ્યો નથી. વર્ષ 2023-24ના વાર્ષિક કેન્દ્રીય બજેટમાં કૃષિ બજેટ 1.24 લાખ કરોડ હતું, જે ઘટીને લગભગ 1.15 કરોડ થઈ ગયું છે. પાક વીમા યોજના માટેની ફાળવણી પણ ગત વર્ષની સરખામણીએ રૂપિયા 15500 કરોડથી ઘટાડી રૂ.13625 કરોડ કરાઈ છે. ઉપરાંત ખાતર પરની સબસિડીમાં પણ મોટો ઘટાડો કરાયો છે.
(5) 2022 સુધીમાં પાટા પર દોડાવાની હતી પ્રથમ બુટેલ ટ્રેન
2017માં 14મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેના તેમના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે મોદી સરકારે કહ્યું હતું કે, જ્યારે દેશમાં 15 ઓગસ્ટ-2022ના દિવસે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પાટા પર દોડવાનું શરૂ થઈ જશે. જોકે હજુ સુધી આ ટ્રેન પાટા પર દોડાવાઈ નથી.
પીએમ મોદીના 9 વર્ષમાં 9 મોટા નિર્ણયો
2014 – પીએમ નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.
2015 – પીએમ આવાસ યોજનાને ઝડપી બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
2016 – નોટબંધીનો નિર્ણય લેવાયો હતો, જે NDAના કાર્યકાળનો સૌથી મોટો નિર્ણય હતો.
2017 – દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે GST લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો.
2018 – મોદી સરકારે પાત્ર લાભાર્થીઓ માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી.
2019 – મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો.
2020 – રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરાઈ હતી.
2021 – કોરોનાથી બચવા વેક્સીનેશન અભિયાન શરૂ કર્યું.
2022 – ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા મોદી સરકારે 5G સેવાઓ શરૂ કરી.

Total Visiters :210 Total: 1344415

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *