આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે, આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા
જાવિયા
લીબિયાના એક બળવાખોરોના જૂથે જાન્યુઆરીથી કેદ કરી રાખેલા નવ ભારતીય ખલાસીઓને મુક્ત કરી દીધા છે. આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા. આ જહાજ ગ્રીક કંપની મેસર્સ રેડવિંગ્સ શિપિંગ એસએનું હતું અને લીબિયાના જાંજૌર ક્ષેત્રમાં ક્રેશ થઈ ગયું હતું.
આ ઘટના બાદ જાવિયા શહેરમાં અલ માયા પોર્ટની નજીકમાં સ્થાનિક સશસ્ત્ર સમૂહ અજ જાવિયાએ ચાલકદળની ધરપકડ કરી લીધી હતી. આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે તેમાં બેંગાજીમાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ તબસ્સુમ મંસૂર અને ટ્યુનિશિયામાં ભારતના રાજદૂત નગુલખમ જથોમ ગંગટે સામેલ છે.
રાજદૂત ગંગટેએ કહ્યું હતું કે ત્રિપોલીના ગત પ્રયાસોના પરિણામસ્વરૂપે અમને કોઈ સફળતા મળી નહોતી પણ મંસૂરની ભૂમિકા મહત્ત્વની રહી અને તેમણે ખલાસીઓની મુક્તિનો માર્ગ મોકળો કરી આપ્યો. ઉલ્લેખનીય છે કે લીબિયામાં ભારતીય નાગરિકોના કલ્યાણ માટે પોતાના સમર્પણ માટે ઓળખાતા તબસ્સુમ મંસૂરે બળવાખોરોના સમૂહ સાથે વાતચીતનો જુગાડ કરવા માટે તેમના વ્યાપક નેટવર્કનો ઉપયોગ કર્યો હતો.