સુરેશ પવાર નામના શખ્સનું 9 મેના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી પૂરી થયાના કલાકો બાદ અવસાન થયું હતું
મુંબઈ
ભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને “તબીબી અને માનવતાના આધારે” મૃત્યુના બે દિવસ બાદ કામચલાઉ જામીન આપ્યા હતા. આ વ્યક્તિનું નામ સુરેશ પવાર હતું. 9 મેના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી પૂરી થયાના કલાકો બાદ તેનું અવસાન થયું હતું, જ્યારે વધારાના સેશન્સ જજ વિશાલ એસ ગાયકે બે દિવસ પછી તેમને કામચલાઉ જામીન આપ્યા હતા.
બનાવટી દસ્તાવેજોના આધારે રિયલ એસ્ટેટ એજન્ટને મિલકત વેચવાના આરોપમાં પવારની ધરપકડ કરવામાં આવી હતી. પવાર 31 ડિસેમ્બર 2021થી જેલમાં હતા અને તબીબી આધાર પર 6 મહિના માટે કામચલાઉ જામીન માટે અરજી કરી હતી. પવારે તેમની અરજીમાં કહ્યું હતું કે તેઓ ગંભીર રીતે ડાયાબિટીસ અને વય સંબંધિત અનેક બિમારીઓથી પણ પીડિત છે. ફેબ્રુઆરીમાં સુરેશના અંગૂઠામાં ઈજા થઈ હતી અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પગના અંગૂઠામાં ગેંગરીન થયો હતો અને તેને કાપવો પડ્યો હતો.
હાઈકોર્ટે માર્ચમાં જેલ અધિકારીઓને પવારને યોગ્ય તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. સુરેશે 19 એપ્રિલે હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. તે જ દિવસે તેની તબિયત બગડી અને તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે યોગ્ય તબીબી સારવારના અભાવે તેના ઘામાં સેપ્ટિક થઇ ગયું અને તેનો પગ ઘૂંટણની નીચે કાપવો પડ્યો હતો.
અરજી મુજબ, આરોપીને ફેફસામાં ચેપ લાગ્યો હતો અને તેણે તબીબી લાભો માટે 6 મહિના માટે અસ્થાયી જામીન માંગ્યા હતા. તેના આદેશમાં કોર્ટે કહ્યું હતું કે સુરેશની ઉંમર, ગંભીર તબીબી જટિલતાઓ અને તબીબી સંભાળની વધુ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામચલાઉ જામીન માટેની તેમની પ્રાર્થના માનવતાના આધાર પર સંપૂર્ણ રીતે માનવામાં આવે છે. પરંતુ આ જામીન મંજુર થાય તે પહેલા જ સુરેશનું મૃત્યુ થયું હતું.