આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા 4 આતંકીમાં 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમૈરા બાનોનો સમાવેશ, સુરતના રહેવાસી ઝુબેરની શોધ જારી
અમદાવાદ
પોરબંદરમાં ગુજરાત એટીએસની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસએ આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ સીક્રેટ ઓપરેશન દ્વારા મોટી કાર્યવાહી કરી છે. એટીએસએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઈએસકેપી) સાથે સંકળાયેલા 4 આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમૈરા બાનોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય સુરતના રહેવાસી ઝુબેરની શોધ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, 20મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. તે પહેલા એટીએસની મોટી સફળતા મળી છે.
પકડાયેલા આતંકવાદીઓ તેમના હેન્ડલર અબુ હમઝાની મદદથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઈએસકેપી)માં સામેલ થવા માટે દરિયાઈ માર્ગે ભાગી જવાના હતા. તેમની પાસેથી આઈએસકેપીની સામગ્રી અને છરી વગેરે પણ મળી આવ્યા છે. સુરતની આ શંકાસ્પદ મહિલા સુમાયરા બાનોને લઈને એટીએસની ટીમ પોરબંદર પહોંચી છે. ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ કાશ્મીરી છે, જેમના નામ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ અને મોહમ્મદ હાજીમ શાહ છે. આ ઉપરાંત એટીએસે સુરતની રહેવાસી સુમૈરા બાનો મોહમ્મદ હનીફ મલેકની ધરપકડ કરી છે જ્યારે સુરતના ઝુબેર અહમદ મુનશીની શોધખોળ ચાલુ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે એટીએસએ પોલીસની મદદથી સુરતથી મહિલાની ધરપકડ કરી છે. મહિલા દક્ષિણ ભારતમાં પરિણીત છે. તેના પરિવારમાં એક વ્યક્તિ સરકારી નોકરી પણ કરે છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રાંત વિશે કહેવાય છે કે આ સંગઠન આઈએસઆઈએસના ઈશારે આતંકવાદી ગતિવિધિઓ કરે છે.
ગયા મહિનાની શરૂઆતમાં, એટીએસએ એક મોટી કાર્યવાહીમાં અલ કાયદા સાથે સંબંધિત મોડ્યુલનો ખુલાસો કર્યો હતો. 22 મેના રોજ એટીએસે અમદાવાદમાંથી બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ચારેય બાંગ્લાદેશી નાગરિકો હતા, જેઓ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને મુસ્લિમ યુવાનોને અલ-કાયદામાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા.
રથયાત્રા પહેલાં ગુજરાત એટીએસ દ્વારા મોટુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એટીએસ દ્વારા પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરાઈ છે જેમના નામો પણ સામે આવ્યાં છે.
ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઈએસકેપી) સાથે સંકળયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ 9 મી જુનના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયત કરાઈ હતી.આ અટકાયત કરાયેલ વ્યક્તિઓમાં ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (આઈએસકેપી)માં જોડાયા હતા.
આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું કે, બે વ્યક્તિઓ, ઝુબેર અહેમદ મુનશી અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ આઈએસકેપીના આ જ મોડ્યુલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ. અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવી હતી. જેમાં આઈએસકેપીના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ‘વોઈસ ઓફ ખોરાસન’ વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પુછપરછમાં, તેણીએ ખુલાસો કર્યો છે કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે આઈએસકેપીના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.
પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના આઈએસકેપી ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયા’હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયા’હ ની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે.
તેમને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા, જ્યાં તેઓને ધો દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન માં આઈએસકેપી વતી તેના આતંકવાદી ક્રુત્યમાં ભાગ લેવાનો હતો અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર અને આઈએસકેપી દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વીડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો. આ મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે આરપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝુબેર અહેમદ મુનશી રહેવાસી અમીરા કદલ, શ્રીનગરને શોધવાના પ્રયાસો ચાલુ છે.
એટીએસે આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કર્યો, પોરબંદરથી મહિલા સહિત ચારની ધરપકડ
Total Visiters :194 Total: 1491432