અક્માતમાં મોતના બે કરોડના વીમા માટે શખ્સે મૃત હોવાનો ડોળ કર્યો

દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વકીલ સાથે મળીને કાવતરૂ રચ્યું


મુંબઈ
ભારતમાં ઠગોની કોઈ કમી નથી અને તેઓ દર વખતે નવા નવા રસ્તા શોધીને કોઈને ચુનો લગાવતા રહે છે. મહારાષ્ટ્રમાં આવો જ એક અજબગજબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને વકીલ સાથે મળીને એક વીમા કંપની સાથે બે કરોડ રૂપિયાની ઠગાઈનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં તેમણે એક અજાણી વ્યક્તિના મૃતદેહનો પણ ઉપયોગ કર્યો છે.
આ કેસમાં ભારે દેવામાં ડુબી ગયેલી વ્યક્તિએ અચાનક રૂપિયા કમાવા માટે ચાર જણ સાથે મળીને ષડયંત્ર રચ્યું. તેણે પોતે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હોવાનો ડોળ કર્યો અને તેના સાથીદારોએ દરેક પ્રકારના બનાવટી કાગળિયા તૈયાર કરી આપ્યા જેથી કરીને વીમા કંપનીને છેતરીને ક્લેમ મંજૂર કરાવી શકાય.
આ ઘટના અહમદનગરની છે અને તેમાં 550 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસના માસ્ટરમાઈન્ડ દિનેશ ટકસાલેએ તેના મિત્ર અનિલ લાટકે તથા લાટકેના કાકી ઝુંઝરબાઈ વાગમોડે સાથે મળીને એક યોજના બનાવી. ઝુંઝરબાઈએ ટકસાલેની માતા નંદાબાઈ હોવાનો ડોળ કર્યો. આ ઉપરાંત મેડિકલ હેલ્થ ઓફિસર વિશાલ કેવારે પણ આ યોજનામાં સામેલ થયો હતો. આ તમામ સામે છેતરપિંડી, વિશ્વાસભંગ અને ગુનાઈત ષડયંત્રનો આરોપ મુકવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલ કૈલાશ દેશમુખ અને બીજા લોકો આ કેસમાં હજુ ફરાર છે.
2015માં આ કેસના મુખ્ય આરોપી અને માસ્ટરમાઈન્ડ દિનેશ ટકસાલેએ એલઆઈસીની દાદર બ્રાન્ચમાંથી બે કરોડ રૂપિયાની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદી હતી. ડિસેમ્બર 2016 સુધી તેણે તેનું પ્રીમિયમ ભરવાનું ચાલુ રાખ્યું હતું. ટકસાલેએ એલઆઈસીની પોલિસી ખરીદતી વખતે એક બનાવટી પાન નંબર આપ્યો હતો અને ખોટા ડોક્યુમેન્ટ આપ્યા હતા. જેમાં તેની પાસે 38.8 લાખની મિલ્કત હોવાનો દાવો કરાયો હતો. આ ઉપરાંત તેણે એક હોટેલની માલિકીના બોગસ ડોક્યુમેન્ટ આઈટીના બનાવટી રિટર્ન પણ આપ્યા હતા.
ટકસાલેને એક વકીલે આ બધા ડોક્યુમેન્ટ બનાવી આપ્યા અને તેના પર સીએના હસ્તાક્ષર હતા. આ બધા લોકોએ વીમા કંપનીને છેતરવા માટે દોઢ વર્ષ સુધી રાહ જોઈ અને પછી તેમને એક તક મળી. 25 ડિસેમ્બર 2016ના રોજ તેમણે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલી એક વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો જે ઓળખાઈ ન શકે તેવી ખરાબ સ્થિતિમાં હતો. આ મૃતદેહને શ્રીગોંડા સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો.
હવે આ કેસમાં ડો. વિશાલ કેવારેની એન્ટ્રી થાય છે. સુનિલ બેલોટે નામના મેડિકલ ઓફિસરે પોલીસને જણાવ્યું કે કૈલાશ દેશમુખ નામનો પોલીસ કોન્સ્ટેબલ આ ડેડ બોડી લઈ આવ્યો હતો અને તે દિનેશ ટકસાલે (આ કેસના માસ્ટરમાઈન્ડ)નો હતો તેમ કહ્યું હતું. ડો. બેલોટેએ જણાવ્યું કે તેઓ ડો. વિશાલ કેવારેની ઓફિસમાં ગયા હતા જ્યાં એક મહિલાએ દાવો કર્યો કે તે દિનેશની માતા નંદાબાઈ હતી. હકીકતમાં તે ઝુંઝરબાઈ વાગમોડે જ હતી. પોતાને નંદાબાઈ તરીકે ઓળખાવતી મહિલાએ દાવો કર્યો કે તેનો પુત્ર માનસિક રીતે અસ્થિર હતો. તેથી તેમણે કોઈ ઓળખના ડોક્યુમેન્ટ બનાવ્યા ન હતા. ત્યાર પછી નંદાબાઈ એટલે કે વાગમોડે એલઆઈસી પાસે ગઈ અને પોતાના પુત્રના નામે બે કરોડ રૂપિયાનો ક્લેમ કર્યો ત્યારે એલઆઈસીને લાગ્યું કે આ કેસમાં કંઈ ગરબડ છે.
પોલીસે ભેલવાંડીમાં થયેલા રોડ એક્સિડન્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ કેસની તપાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ દેશમુખે કોર્ટમાં “એ” સમરી રિપોર્ટ સોંપ્યો હતો. એટલે કે ઘટના સાચી હતી, પરંતુ તે ઉકેલાઈ ન હતી. આ કેસમાં સાક્ષી તરીકે જે ખેડૂતોને રજુ કરાયા તે પણ બનાવટી હતા. એક સાાક્ષીએ સ્વીકાર્યુંકે તેણે પંચનામા પર સહી કરી ન હતી. બીજાએ કહ્યું કે તે ક્યારેય સરકારી હોસ્પિટલમાં ગયો ન હતો. ત્રીજા સાક્ષીએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે તે એક્સિડન્ટ સમયે હાજર ન હતો. આ તમામ તપાસ પરથી સ્પષ્ટ થઈ ગયું કે ચાર વ્યક્તિઓએ વીમા કંપનીને છેતરવા માટે આ બનાવટ કરી છે. આ અકસ્માતમાં જેનો ખરેખર મૃતદેહ મળી આવ્યો હતો તેની હજુ ઓળખ થઈ શકી નથી.

Total Visiters :201 Total: 1491242

By Admin

Leave a Reply