ક્રુડ ઓઈલ પાકિસ્તાન પહોંચ્યા બાદ વડાપ્રધાન શહબાજ શરીફ ખુશ ખુશ થઈ ગયા છે, તો બીજી તરફ આ બાબતને પીટીઆઈના સમર્થકો ઈમરાન ખાનની સિદ્ધી ગણાવી રહ્યા છે
ઈસ્લામાબાદ
મોટી આશાઓ સાથે પાકિસ્તાને રશિયા પાસેથી ખરીદેલું ક્રુડ ઓઈલની પ્રથમ ખેપ કરાંચીના બંદરે પણ પહોંચી ગઈ છે. આ ક્રુડ ઓઈલ પાકિસ્તાનની રિફાઈનરીમાં પણ મોકલાવી દેવાયું છે. હાલ પાકિસ્તાનને રશિયાથી આવેલું 45 હજાર મેટ્રીક ટન ક્રુડ ઓઈલ મળ્યું છે અને તેની બીજી ખેપ ટુંક સમયમાં પાકિસ્તાન પહોંચવાની છે. રશિયાનું ક્રુડ ઓઈલ પાકિસ્તાન પહોંચ્યા બાદ વડાપ્રધાન શહબાજ શરીફ ખુશ ખુશ થઈ ગયા છે, તો બીજી તરફ આ બાબતને પીટીઆઈના સમર્થકો ઈમરાન ખાનની સિદ્ધી ગણાવી રહ્યા છે, ત્યારે આ બધી બાબતો વચ્ચે નિષ્ણાંતોનું કહેવું છે કે, રશિયાથી આવેલા ક્રુડ ઓઈલથી ભારત અને યુએઈ માલામાલ થયા છે અને પાકિસ્તાનના હાથમાં માત્ર લોલીપોપ અપાઈ છે.
પાકિસ્તાનના પ્રખ્યાત બિઝનેસ અખબાર બિઝનેસ રેકોર્ડરના સંપાદક અને આર્થિક બાબતોના નિષ્ણાંત વકાસનું કહેવું છે કે, ભારત અને યુએઈના વચેટીયાઓએ પાકિસ્તાન પાસેથી રશિયન ક્રુડ ઓઈલ ખરીદીને જોરદાર કમાણી કરી છે. તેમણે કહ્યું કે, રશિયાનું ક્રુડ ઓઈલ સૌથી પહેલા ભારત આવ્યું, ત્યારબાદ ભારતના ગુજરાત રાજ્યમાંથી UAE પહોંચ્યું… ત્યારબાદ આ જ ક્રુડ ઓઈલ UAEથી પાકિસ્તાન પહોંચ્યું… ગુજરાત પાસે જ પાકિસ્તાનનું કરાંચી બંદર આવેલું છે અને ત્યાં હમણાં જ ક્રુડ ઓઈલ ઉતારાયું છે. વકાસે કહ્યું કે, આ સંપૂર્ણ તેલના ખેલમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાતના વચેટીયાઓએ જોરદાર કમાણી કરી છે.
વકાસે કહ્યું કે, રશિયાએ આ ક્રુડ ઓઈલ ભારતને પ્રતિ બેરલ 52 ડૉલરે વેચ્યું… ત્યારબાદ આ જ ક્રુડ ઓઈલને ભારતે UAEને વેચ્યું… ત્યારબાદ યુએઈએ આ જ ક્રુડ ઓઈલ પાકિસ્તાનને વેંચી દીધું… પાકિસ્તાનને આ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ 69 ડોલરમાં ખરીદ્યું… તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાની ડીલમાં ભારતીય ખરીદદારે પ્રતિબેરલ દીઠ 17 ડોલરની કમાણી કરી છે. તેમણે કહ્યું કે, રશિયા અને પાકિસ્તાન વચ્ચે લગભગ 2 લાખ 50 હજાર બેરલની ડીલ થઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ભાગમાં માત્ર લોલીપોપ જ આવી છે.