દેશમાં છૂટક ફુગાવો દર વાર્ષિક આધારે 25 મહિનાના નીચલા સ્તરે 4.25 ટકા પર આવી ગયો
નવી દિલ્હી
જૂન મહિનામાં કેન્દ્ર સરકાર માટે 3 સુખદ સમાચાર આવ્યા છે. ત્રણેય સમાચાર એ વાતને સાબિત કરી રહ્યા છે કે દેશની ઈકોનોમી સાચી દિશામાં આગળ વધી રહી છે. વીતેલા દિવસો દરમિયાન છૂટક ફુગાવો દર રાહત આપનારા છે. આ સિવાય દેશના જીડીપીએ નવી ઊંચાઈ પ્રાપ્ત કરી. સાથે જ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઉછાળો નોંધાયો છે.
મોંઘવારીના મોર્ચે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. દેશમાં છૂટક ફુગાવો દર વાર્ષિક આધારે 25 મહિનાના નીચલા સ્તરે 4.25 ટકા પર આવી ગયો છે. એપ્રિલ મહિનામાં છુટક મોંઘવારી દર 4.70 ટકા પર હતો. છુટક મોંઘવારી દરમાં સતત આવી રહેલો ઘટાડો એ વાતને સાબિત કરી રહ્યો છે કે આને નિયંત્રણમાં લાવવા માટેના આરબીઆઈના પ્રયત્નો સફળ થયા છે.
ખાદ્ય અને ઈંધણ ઉત્પાદનોના ભાવમાં આવેલા ઘટાડાના કારણે છુટક મોંઘવારી દર ઘટીને 25 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. સરકારના આંકડા અનુસાર મે 2023માં છુટક મોંઘવારી દર 4.25 ટકા રહ્યો, એપ્રિલ 2021 બાદનું સૌથી નીચલુ સ્તર છે. એપ્રિલ 2021માં છુટક મોંઘવારી દર 4.23 ટકા પર હતો.
ઈકોનોમીના મોર્ચે સરકાર માટે બીજા સારા સમાચાર ઔદ્યોગિક ઉત્પાદનનો ડેટા છે. સરકારના આંકડા અનુસાર એપ્રિલ મહિના દરમિયાન દેશના ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં વધારો થયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર એપ્રિલ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર 4.2 ટકા રહ્યો છે. આના પહેલા માર્ચ મહિનામાં આ ગ્રોથ રેટ માત્ર 1.6 ટકા રહ્યો હતો.
ભારતીય ઈકોનોમીએ 2023માં મોટો રેકોર્ડ નોંધ્યો છે. દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટએ 3.75 ટ્રિલિયન ડોલરના સ્તરને સ્પર્શી લીધુ છે. સોમવારે નાણામંત્રી સીતારમણની ઓફિસે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી. વર્ષ 2014 બાદ દેશની જીડીપી લગભગ બે ટ્રિલિયન ડોલરથી વધીને 2023માં 3.75 ટ્રિલિયન ડોલર પર પહોંચી છે.
વર્તમાન પ્રાઈઝ પ્રમાણે ભારતનો જીડીપી 3,737 અરબ ડોલર છે. જો વિકસિત દેશો સાથે તુલના કરીએ તો ભારતનો જીડીપી અમેરિકા (26,854 અરબ ડોલર), ચીન (19,374 અરબ ડોલર), જાપાન (4,410 અરબ ડોલર) અને જર્મનીનો જીડીપી (4,309 અરબ ડોલર) કરતા ઓછો છે. વર્તમાન કિંમતો પર ભારતનો જીડીપી બ્રિટન (3,159 અરબ ડોલર), ફ્રાંસ (2,924 અરબ ડોલર), કેનેડા (2,089 અરબ ડોલર), રશિયા (1,840 અરબ ડોલર) અને ઓસ્ટ્રેલિયા (1,550 અરબ ડોલર) કરતા વધુ છે.