સ્પેનનો અનુભવી ટેનિસ પ્લેયર રાફેલ નડાલ 20 વર્ષમાં પ્રથમ વખત ટોપ 100માંથી બહાર થઈ ગયો
પેરિસ
સર્બિયાના દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપનમાં રેકોર્ડ 23મું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતીને કાર્લોસ અલ્કરાઝ પાસેથી વિશ્વની નંબર વન રેન્કિંગ છીનવી લીધું છે. આ ઉપરાંત સ્પેનનો અનુભવી ટેનિસ પ્લેયર રાફેલ નડાલ 20 વર્ષમાં પ્રથમ વખત ટોપ 100માંથી બહાર થઈ ગયો છે. જોકોવિચ આ પહેલા પણ નંબર વન ટેનિસ ખેલાડી રહી ચુક્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપનની એક સિઝન ન રમવાના કારણે તેને નુકસાન ભોગવવું પડ્યું હતું.
36 વર્ષીય જોકોવિચે અઠવાડિયાના અંતે પેરિસમાં જીત મેળવ્યા બાદ રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે. તેણે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં સ્પેનના અલ્કરાઝને હરાવ્યો હતો. અલ્કરાઝ બીજા સ્થાને આવી ગયો છે, જ્યારે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયેલા ડેનિલ મેદવેદેવ એક સ્થાન નીચે ત્રીજા સ્થાને છે. રોલેન્ડ ગેરોસના રનર-અપ કેસ્પર રૂડ ચોથા સ્થાને રહ્યો હતો.
14 વખતનો ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન નડાલ ઈજા સામે ઝઝૂમી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન હિપમાં ઈજાને કારણે જાન્યુઆરીથી રમ્યો નથી. ટેનિસમાં સતત ગેરહાજર રહેવાના કારણે રેન્કિંગમાં 15મા ક્રમેથી 136મા ક્રમે આવી ગયો છે. આ મહિનાની શરૂઆતમાં તેની સર્જરી થઈ હતી અને તે પાંચ મહિના માટે ટેનિસથી દુર રહેશે એવી સંભાવના છે.