સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવા અભિયાનોએ યુવાનોની ક્ષમતામાં વધુ વધારો કર્યાનો દાવો
નવી દિલ્હી
પીએમ નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70 હજાર જેટલા યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા છે. આ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ રોજગાર મેળાઓ એનડીએએ અને ભાજપ સરકારની નવી ઓળખ બની ગયા છે. પીએમએ કહ્યું મને ખુશી છે કે ભાજપ શાસિત સરકારો પણ આવા રોજગાર મેળાનું સતત આયોજન કરી રહી છે. આ સમયે જે લોકો સરકારી નોકરીમાં આવી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું તમારું લક્ષ્ય હોવું જોઈએ.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મુદ્રા યોજનાએ કરોડો યુવાનોને મદદ કરી છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવા અભિયાનોએ યુવાનોની ક્ષમતામાં વધુ વધારો કર્યો છે. સરકાર તરફથી મદદ મેળવનાર આ યુવાનો હવે પોતે ઘણા યુવાનોને નોકરી આપી રહ્યા છે.
રાજકીય ભ્રષ્ટાચાર એ જૂની સરકારોની ઓળખ હતી. આજે ભારતની ઓળખ તેના નિર્ણાયક નિર્ણયથી થાય છે. ભારતે આગામી 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. આખી દુનિયા ભારત પર વિશ્વાસ કરી રહી છે. ભારત તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની અર્થવ્યવસ્થાને આગળ લઈ રહ્યું છે
વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા પીએમએ કહ્યું દેશમાં ચાલી રહેલા આ રોજગાર અભિયાન પારદર્શિતા અને સુશાસનનો પણ પુરાવો છે. આપણે જોયું છે કે કેવી રીતે આપણા દેશમાં કુટુંબ આધારિત રાજકીય પક્ષોએ દરેક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું છે. સરકારી નોકરીની વાત આવે ત્યારે પણ તેઓ ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહેતા હતા. આ પાર્ટીઓએ દેશના કરોડો લોકો સાથે દગો કર્યો છે. અમારી સરકારે પારદર્શિતા પણ લાવી છે અને અમે ભાઈ-ભત્રીજાવાદ પણ ખતમ કર્યો છે.