બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એમઆરએફ પ્રતિ શેર 1,00,300 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો
મુંબઈ
ટાયર અને રબર પ્રોડક્ટ બનાવતી કંપની એમઆરએફ લિમિટેડના શેરના ભાવમાં આજે 1 ટકાથી પણ વધુનો વધારો થયો છે. આ સાથે જ એમઆરએફના શેરનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. તે પ્રથમ ભારતીય કંપની બની છે જેના શેરનો ભાવ 1 લાખના આંકડાને વટાવી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આજે શેર તેજી સાથે ખુલ્યો હતો અને 1.48 ટકા વધીને 1,00,439.95 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એમઆરએફ પ્રતિ શેર 1,00,300 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં એમઆરએફ શેર 46 ટકા સુધી ઉછળ્યો છે અને આજે તે તેના લાઈફટાઈમ હાઈ લેવલે પહોંચ્યો છે. અગાઉ શેર તેના ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય પરિણામો પછી 8 મેના રોજ શેર દીઠ 99,933 રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં આ શેર સવારે 11:51 વાગ્યાની આસપાસ 871.45 પોઈન્ટ એટલે કે 0.88%ના વધારા સાથે 99,840.00 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર 99,968.55 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
એમઆરએફ સ્ટોક જાન્યુઆરી 2021માં પ્રથમ વખત 90,000ની ઉપર બંધ થયો હતો અને લગભગ અઢી વર્ષના અંતરાલ પછી રેકોર્ડ 1 લાખના આંકડાને પાર કરી ગયો હતો. ત્યાર બાદ એમઆરએફ ફેબ્રુઆરી 2012માં શેર દીઠ રૂપિયા 10,000ના આંકડાને વટાવી ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, એમઆરએફએ ક્યારેય બોનસ શેર જારી કર્યા નથી અથવા તેના શેરહોલ્ડિંગ બેઝને વધારવા માટે સ્ટોક સ્પ્લિટ કર્યા નથી, તેમ છતાં તે ડિવિડન્ડ ચૂકવી રહી છે.
કંપનીએ 3 મેના રોજ વર્ષ 2022-23 માટે શેરધારકોને 1690 ટકાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. એમઆરએફ લિમિટેડે કહ્યું હતું કે તે નાણાકીય વર્ષ 2023માં તેના રોકાણકારોને પ્રતિ ઈક્વિટી શેર 169 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે. આ પહેલા કંપનીએ ઈક્વિટી શેર દીઠ 3 રૂપિયાના બે વચગાળાના ડિવિડન્ડ આપ્યા છે. આ રીતે નાણાકીય વર્ષ 2023 માટે કંપનીએ 175 રૂપિયા એટલે કે ઈક્વિટી શેર દીઠ 1750% નું ડિવિડન્ડ આપ્યું છે.