પોતાની આ સ્થિતિ માટે અભિનેતાએ એક મહિલાને જવાબદાર ગણાવી,જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો
મુંબઈ
કોમેડિયન અને જુનિયર એક્ટર તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ‘ધ કપિલ શર્મા શો’માં દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું પાત્ર ભજવનાર તીર્થાનંદ રાવે ફેસબુક પર લાઈવ થઈને ફિનાઈલ પીધું હતું. પોતાની આ સ્થિતિ માટે તેણે એક મહિલાને જવાબદાર ગણાવી હતી. જો કે સારી વાત એ છે કે તેનો જીવ બચી ગયો હતો. તેને ફિનાઈલ પીતા જોઈને તેના એક સોશ્યલ મીડિયા મિત્રએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરી આ વાતની જાણ કરી દીધી હતી.
કોલ આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને અભિનેતાના ઘરે પહોંચી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોલ મળ્યા બાદ પોલીસ સીધા જ મીરા રોડના શાંતિનગરમાં આવેલી બી-51 બિલ્ડિંગના ફ્લેટ નંબર 703 પર પહોંચી હતી. તેઓએ જોયું કે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને રૂમમાં એક કૂતરો હાજર હતો. તેઓએ અંદર જઈને તીર્થાનંદને અર્ધબેભાન અવસ્થામાં પડેલા જોયા. તેઓ તરત જ તીર્થાનંદને હોસ્પિટલ લઈ ગયા હતા.
તીર્થાનંદે ફેસબુક લાઈવ દરમિયાન દાવો કર્યો હતો કે એક મહિલા તેને બ્લેકમેલ કરી રહી છે. તેણે ફેસબુક લાઈવ દરમિયાન કહ્યું, ‘થોડા મહિના પહેલા હું એક મહિલાને મળ્યો હતો. મળ્યા પછી અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. અમે રિલેશનશીપમાં આવ્યા અને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. થોડા સમય પછી મને ખબર પડી કે એ મહિલા એક પ્રોસ્ટીટ્યુટ છે. મેં કોઈક રીતે તેનાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, તેણે મને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. તેણે મારી સામે કેસ પણ કર્યો હતો. આ કેસના કારણે હું મારા જ ઘરમાં જઈ શકતો નથી. હું ફૂટપાથ પર સૂવા માટે મજબુર થઇ ગયો છું. આ જ કારણ છે કે હું મારી જાતને મારી નાખવા માંગુ છું. આટલું જ નહીં, તીર્થાનંદે એવો પણ દાવો કર્યો હતો કે તે મહિલાના કારણે તેના પર 3થી 4 લાખ રૂપિયાનું દેવું છે.