મિશેલ સ્ટાર્કે ત્રણ અને તેની પત્ની એલિસા હીલીએ આઠ વખત વર્લ્ડ કપ જીત્યા છે
સિડની
આઈસીસી ઈવેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયાની પુરુષ અને મહિલા બંને ટીમોનું વર્ચસ્વ હંમેશા જોવા મળ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતને હરાવ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીત્ય પછી ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ક્રિકેટમાં આઈસીસીની તમામ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પણ એક ખાસ ક્લબમાં સામેલ થઇ ગયો છે.
ડબલ્યુટીસીની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડબલ્યુટીસીની ટ્રોફી જીત્યાની સાથે સ્ટાર્કે તેના કરિયરમાં ત્રણ વખત કોઈ આઈસીસી ટ્રોફી જીતી છે. મિશેલ સ્ટાર્કની પત્ની એલિસા હીલી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની મહત્વની સભ્ય છે. બંનેએ સાથે મળીને અત્યાર સુધીમાં કુલ 11 વખત આઈસીસી વર્લ્ડ કપ જીત્યો છે.
સ્ટાર્કે વર્ષ 2015માં વનડે વર્લ્ડ કપ, વર્ષ 2021માં ટી20 વર્લ્ડ કપ અને ત્યાર બાદ હવે ડબલ્યુટીસી ટાઈટલ જીત્યું છે. જયારે સ્ટાર્કની પત્ની એલિસા હીલીએ તેના ક્રિકેટ કરિયરમાં 8 વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. હીલી 6 વખત મહિલા ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકી છે. આ સિવાય તે વર્ષ 2013 અને 2022માં વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમની પણ સભ્ય હતી. મિશેલ સ્ટાર્ક અને એલિસા હીલીએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. ડબલ્યુટીસી ફાઇનલ મેચ દરમિયાન હીલી સ્ટેડિયમમાં હાજર હતી અને સ્ટાર્કને પ્રોત્સાહિત કરી રહી હતી.