જે નવો વિડીયો આવ્યો છે એમાં પણ એસી વેન્ટની નીચે આવેલ કમ્પાર્ટમેન્ટની અંદરના ઓટોમેટીક દરવાજા પર ટીપ ટીપ પાણી પડી રહ્યું છે
નવી દિલ્હી
પાછલાં કેટલાંક મહિનાઓથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ શહેરોના લોકોને વંદે ભારત પ્રિમિયમ એક્સપ્રેસ સેવાની ગીફ્ટ આપી રહ્યાં છે. જોકે લોકસભા ચૂંટણી પહેલાં કંપનીઓને વધારે વંદે ભારત બનાવવાનો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાથી આ ટ્રેન ઉતાવળે બનાવાઇ હોવાના કિસ્સા સામે આવે રહ્યાં છે.
ત્યારે હવે વંદે ભારત ટ્રેનમાં પહેલાં જ વરસાદે કોચમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે. જોકે આ પહેલીવાર નથી બન્યું કે વંદે ભારત ટ્રેનમાં પાણી ટપક્યું હોય, અગાઉ એપ્રિલ મહિનામાં પણ વંદે ભારતના એક્ઝિક્યુટિવ કોચમાં પાણી ટપકવાની સમસ્યા સર્જાઇ હતી. ત્યારે આ પ્રિમિયમ ટ્રેનની પહેલાં વરસાદે પોલ ખોલી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે.
એપ્રિલ મહિનામાં થિરુવનંતપુરા-કાસરગોડ માટે શરુ કરવામાં આવેલ વંદે ભારત ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં પાણી ટપકવાની સમસ્યા સર્જાઇ હતી. એસી વેન્ટમાંથી પાણી ટપકતું હતું. ત્યારે હવે જે નવો વિડીયો આવ્યો છે એમાં પણ એસી વેન્ટની નીચે આવેલ કમ્પાર્ટમેન્ટની અંદરના ઓટોમેટીક દરવાજા પર ટીપ ટીપ પાણી પડી રહ્યું હતું. એટલું બધુ પાણી ભરાઇ રહ્યું હતું કે રેલવે કર્મચારીઓમાં દોડભાગ મચી જવા પામી હતી.
કોઇ ઉપાય ન મળતાં આખરે ઘરની છત જ્યારે ટપકે છે ત્યારે તેની નીચે જે રીતે ડોલ કે વાસણ મૂકવામાં આવે છે તેવી જ રીતે કર્માચારીઓએ ખાદ્યપદાર્થ મૂકવાની ટ્રેનો ઉપયોગ પાણી બેગુ કરવા માટે કર્યો હતો.
તેમ છતાં કર્મચારીઓ પાણી ભરાતું રોકી શક્યા નહતાં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી વંદે ભારત ટ્રેનને અકસ્માતો નડી રહ્યાં છે. પ્રાણીઓ ટ્રેન સાથે ટકરાતાં ઘણીવાર ટ્રેનનું આગળનું બંપર તૂટી ગયું હોવાની જાણકારી મળી છે. આ કારણોસર પણ વંદે ભારત અનેકવાર વિપક્ષના નિશાના પર આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના ક્યારની છે, ક્યા રાજ્યના ટ્રેનમાં ઘટી છે તેનો કોઇ ખૂલાસો વિડીયોમાં કરવામાં આવ્યો નથી. જોકે કેરળ કોંગ્રેસે આ ઘટનાનો વિડીયો પોસ્ટ કર્યો છે.