કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી
નવી દિલ્હી
આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર કોંગ્રેસના પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ રાહુલ ગાંધીના જન્મદિવસ પર શુભેક્ષા સંદેશ ટ્વિટ કર્યા છે, જેમાં રાહુલ ગાંધીને નીડર નેતા અને ‘મોહબ્બત કી દુકાન’ ગણાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર લખ્યું, “રાહુલ ગાંધીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ… બંધારણીય મૂલ્યો પ્રત્યેની તમારી અતૂટ પ્રતિબદ્ધતા અને પ્રતિકૂળ સંજોગોમાં તમારી હિંમત પ્રશંસનીય છે. કરુણા અને સંવાદિતાનો સંદેશ ફેલાવતા તમે સત્ય બોલતા રહો અને કરોડો ભારતીયોનો અવાજ બનો.”
કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, એક એવા નીડર નેતાને કે જેઓ ભારતને અખંડ રાખવા માટે અતૂટ પ્રતિબદ્ધતા ધરાવે છે, જે પ્રેમમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે, એવો પ્રેમ કે જે માફ કરવા, વિશ્વાસ કરવા, આશા રાખવા અને તમામ મતભેદોને સ્વીકારવા પણ તૈયાર હોય. અમારી પોતાની ‘મોહબ્બત કી દુકાન’ને જન્મદિવસની શુભકામનાઓ.
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.વી. શ્રીનિવાસે ટ્વીટ કર્યું, “સૌથી હિંમતવાન અને નિર્ભય નેતા, પ્રેમની રાજનીતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર, યંગ ઈન્ડિયાના પ્રેરણાદાયીને જન્મદિવસની શુભેચ્છાઓ.”
પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ક્લિપ્સ શેર કરી રહ્યા છે અને તેમને લોકોનો નીડર અવાજ ગણાવી રહ્યા છે. રાહુલ ગાંધીને 53માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ની ઓફીસ અને ગાંધીના નિવાસસ્થાનની બહાર બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસે નવી દિલ્હીમાં 5 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કાઢવાની પણ યોજના બનાવી છે.
મુંબઈ કોંગ્રેસે ‘મોહબ્બત કી દુકાન’ નામથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકરો દરેક વોર્ડમાં લોકો સાથે વાતચીત કરશે અને તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરશે.