કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી
નવી દિલ્હી
પહેલવાનોએ રસ્તા પર આંદોલન બંધ કરવાના એલાન બાદ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. બ્રિજ ભૂષણે કહ્યું કે, અદાલત પોતાનું કાર્ય કરશે અને જે કરશે એ યોગ્ય જ કરશે. તેમણે કહ્યું કે, મારો કેઈ પ્લાન નથી.
એક દિવસ પહેલા જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) અને બ્રિજભૂષણ શરણ સિંહ સામે ફરી માર્ગો પર ઉતરવાની ચેતવણી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ કુશ્તીબાજોએ એલાન કર્યું હતું કે, બ્રિજભૂષણ સામેની લડાઈ હવે માર્ગો પર નહીં પરંતુ કોર્ટમાં લડવામાં આવશે. પહેલવાનોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ રવિવારે એકસાથે ટ્વિટ કર્યું હતું કે સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું વચન પૂરું કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પહેલવાનો અટકશે નહીં પરંતુ હવે લડાઈ રસ્તા પર નહીં પરંતુ કોર્ટમાં થશે.