ભુસ્ખલન અને પૂરના કારણે 70 કિલોમીટર લાંબા મંડી-પંડોહ-કૂલ્લુ માર્ગ સંપૂર્ણ પ્રભાવિત, ઉત્તરાખંડમાં પણ મેઘરાજાનું તાંડવ
નવી દિલ્હી
દેશમાં ચોમાસું સક્રિય થતાં જ ઘણા રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. પહાડો પર વરસેલો વરસાદ આફત લઈને આવ્યું છે. તો હિમાચલમાં અચાનક આવેલા પૂર અને ભુસ્ખલનના કારણે ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે, જેના કારણે સેંકડો મુસાફરો મંડીમાં ફસાયા છે. ભુસ્ખલન અને પૂરના કારણે 70 કિલોમીટર લાંબા મંડી-પંડોહ-કૂલ્લુ માર્ગ સંપૂર્ણ પ્રભાવિત થયો છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મલ્યું છે. અહીં વરસાદના કારણે ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઉપરાંત ગંગા સહિત અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે.
હાલ મળતા અહેવાલો મુજબ હિમાચલના શિમલામાં વરસાદ પડી રહ્યો છે. દરમિયાન હિમાચલમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. 14 ઈજાગ્રસ્ત થયા છે. 4 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું હતું, જ્યારે 28 મકાનોને આંશિક નુકસાન થયું હતું. મુખ્ય સચિવ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન ઓંકારચંદ શર્માએ જણાવ્યું કે, અંદાજિત 104 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. IMD મુજબ આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. આજે માટે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનમાં સરેરાશ કરતાં વધુ વરસાદની શક્યતા છે.
ભારે વરસાદ હિમાચલમાં પણ મુસીબત લઈને આવ્યો છે. અહીં વરસાદના કારણે 301 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ઉત્તરાખંડમાં 43 રસ્તાઓ બંધ કરાયા છે. તો હિમાચલમાં 140 પાવર ટ્રાન્સફોર્મરને પણ અસર થઈ હોવાના અહેવાલો છે. ભારે વરસાદના કારણે મંડી શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર ઔટ પાસે પંડોહ-કૂલ્લુ માર્ગ પર આવેલા ખોતિનલ્લામાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે રવિવારે હજારો મુસાફરો અહીં ફસાયા છે. મંડી વહિવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, ભુસ્ખલનના કારણે બંધ કરાયેલો મંડી-કુલ્લૂ માર્ગ વાયા કટોલા લગભગ 20 કલાક બાદ ખોલવામાં આવ્યો અને હાલ માત્ર નાના વાહનોને જ જવા દેવામાં આવે છે.
ભૂસ્ખલનના કારણે 6 કિલોમીટર સુધી બંધ કરાયેલો મંડી-પંડોહનો રસ્તો હાલ વન-વે ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યો છે, જોકે અહીં ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને વાહનો પણ ધીમી ગતિએ આગલ વધી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, રસ્તાઓ પર ભારે પત્થરો પડ્યા છે અને આ પત્થરોને હટાવવા માટે વિસ્ફોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જાહેર બાંધકામ વિભાગના મંત્રી વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે 301 રસ્તાઓ બ્લોક થયા છે. આમાંથી 180 રસ્તાઓ સોમવાર સાંજ સુધીમાં, 15 રસ્તાઓ મંગળવાર સુધીમાં ખોલવાના હતા. તેમજ બાકીના રસ્તાઓ 30 જૂન સુધીમાં ખોલી દેવામાં આવશે. રસ્તાઓ સાફ કરવા માટે 390 જેસીબી, ડોઝર્સ અને ટીપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં આજે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જ્યારે 28 અને 29 જૂને વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડવાની આગાહી સાથે યલ્લો એલર્ટ જારી કર્યું છે. રવિવારે હિમાચલના સોલન અને હમીરપુર જિલ્લામાં વાદળ ફાટતા અચાનક પૂર આવ્યું હતું તેમજ શિમલા, મંડી અને કુલ્લૂમાં ભારે વરસાદના કારણે 2 લોકોના મોત થવાની ઘટના બની હતી. રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ હમીરપુર અને શિમલા જિલ્લામાં 1-1 વ્યક્તિઓ પૂરના પાણીમાં ડુબ્યા હતા. ઉપરાંત વરસાદના કારણે 11 મકાનો તેમજ ઘણા વાહનો ઉપરાંત 4 ગૌશાળાને પણ નુકસાન થયું છે.