રાજ્યના છ તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ, કુલ સરેરાશ વરસાદ 27.72 ટકા નોંધાયો

Spread the love

કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી વધુ 87.33 ટકા વરસાદ નોંધાયો, શુક્રવાર સુધીમાં ચોવિસ કલાકમાં 12નાં મોત, હજુ હળવાથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ 

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે નાગરીકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ એટલેકે 398 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય 13 તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 187 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 27.72 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 87.33 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 41.18 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 27.65 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 20.81 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 16.59 ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 જુલાઇ 2023ના રોજ સવારે 6.00 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગર તાલુકામાં 269 મિ.મી., કપરાડામાં 247 મિ.મી., અંજારમાં 239 મિ.મી., ખેરગામમાં 222 મિ.મી., ભેંસાણમાં 204 મિ.મી મળી કુલ  6 તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બગસરામાં 197 મિ.મી., બેચરાજીમાં 172 મિ.મી., ધરમપુરમાં 170 મિ.મી., રાજુલામાં 167 મિ.મી., ચીખલીમાં 158 મિ.મી., ડાંગ (આહ્વા)માં 155 મિ.મી., વઘઈમાં 154 મિ.મી. એમ કુલ 13 તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ ઉપરાંત જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં 148 મિ.મી., વલસાડમાં 141 મિ.મી., વંથલી અને વાંસદામાં 140 મિ.મી., જામકંડોરણામાં 136 મિ.મી., બરવાડામાં 135 મિ.મી., બારડોલીમાં 132 મિ.મી., વાપી અને ગણદેવીમાં 125 મિ.મી., અમરેલી, જેતપુર અને વ્યારામાં 123 મિ.મી., ગાંધીધામમાં 116 મિ.મી., વાડિયામાં 115 મિ.મી., મેંદરડા અને ખાંભામાં 111 મિ.મી., ગીર ગઢડામાં 110 મિ.મી.,લિલીયા અને મહુવામાં 107  મિ.મી., ધંધુકામાં 106 મિ.મી., સુબીરમાં 104 મિ.મી., જલાલપોરમાં 101 મિ.મી. એમ કુલ 36 તાલુકાઓમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પારડી અને ડોલવણમાં 99 મિ.મી., ધ્રોલ અને નવસારીમાં 95 મિ.મી., જોડીયા અને પ્રાંતિજમાં 91 મિ.મી., ઉમરપાડા 90 મિ.મી., વાલોદમાં 88 મિ.મીથી વધુ વરસાદ નોંધાયો છે. 75 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ રાજ્યના અન્ય કુલ 118 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. 

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 જુલાઇ 2023ના રોજ સવારે 6.00 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં  152 મિ.મી ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 137 મિ.મી., ધારીમાં 130 મિ.મી., ખેરગામ તાલુકામાં 112 મિ.મી. અને પારડીમાં 98 મિ.મી. વરસાદ એટલે કે 4  ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાપી, જલાલપોર, મહુવા, વલસાડ, ચિખલી, તલાલા, નવસારી, વાંસદા, બગસરા, સિધ્ધપુર, વધઈ અને મેંદરડા તાલુકાઓમાં 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદે ધબધબાટી બોલાવી છે. હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે શુક્રવારે સાંજે પુરા થતા ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યા છે. સૌરાષ્ટ્ર્ અને દક્ષિણમાં વરસાદે તોફાની  બેટિંગ કરી છે. અહીં ઠેર ઠેર વિસ્તારોમાં પાણાી ભરેલું નજરે પડી રહ્યું છે. કેટલાંક લોકોનાં ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયું હતું અને એના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં સાંજે સાતથી રાતના દસ વાગ્યા સુધી 58 એમએમ વરસાદ નોંધાયો હતો. તો સાંજે છથી સાત વાગ્યા સુધી અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ચાર એમએમ વરસાદ ખાબક્યો હતો. જે બાદ અમદાવાદમાં કુલ 66 એમએમ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ બાદ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કેટલાંક રસ્તાઓ પર પાણી ફરી વળતા ભારે ટ્રાફિક જામ થયો હતો. જોધપુર, બોપલ, બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં રેકોર્ડ બ્રેક 100 એમ વરસાદ પડ્યો હતો.

બીજી તરફ, જામનગરમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. જામનગરમાં તળાવ પણ ઉભરાયુ હતુ. 221 એમએમ વરસાદ બાદ ચાર લોકોનાં મોત નીપજ્યા હતા. અમરેલી અને બોટાદમાં પણ એક એકનું મોત નીપજ્યું હતું. અધિકારીઓના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુલાબનગર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઉભી થતા 11 વર્ષીય વિજય પરમાર ડૂબી ગયો હતો. જ્યારે 35 વષીય આસફ સેતા અને તેમના 13 વર્ષીય આસિફનું રણજીત સાગર ડેમમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. બીજી તરફ, ધુવાવ હાઉસિંગ બોર્ડમાં મકાનમાં પાણી ઘુસી જતા ત્રણ વર્ષીય નેહા ગોદરીયાનું મોત થયું હતું.
અમરેલી અને બોટાદ જિલ્લામાં પણ એક-એકનું મોત થયું હતું. શારદા અંધાડ નામની મહિલા પણ પાણી ડૂબી ગઈ હતી અને કરુણ મોત થયુ હતુ. શુક્રવારે આ મહિલાનો મૃતદેહ મળ્યો હતો. બીજી તરફ, બોટાદના બરવાળા તાલુકામાં એક દીવાલ ધરાશાયી થતા 18 વર્ષીય આરતી કટપરાનું કરુણ મોત નીપજ્યું હતું. સતત વરસાદના કારણે ગામ પણ જળબંબાકાર થઈ ગયું હતું. તો આણંદમાં પણ આવી જ ઘટના બની હતી. દીવાલ ધરાશાયી થતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. જામનગરમાં પણ વરસાદે ભુક્કા કાઢ્યા હતા અને અહીં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતા. બિપોરજોય બાદ ફરીથી જામનગરની હાલત કફોડી બની હતી.
ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા. તો માંડવીમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જુનાગઢમાં પણ સ્થિતિ આવી જ હોવાનું સામે આવ્યું છે. વિસાવદર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 16 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે. અહીના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ ઉભી થતા મોટાભાગના રોડ ધોવાઈ ગયા હતા. કેટલાંક લોકોનાં ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા. જે બાદ ઘરવખરી રસ્તા પર તરતી જોવા મળી હતી.
બીજી તરફ, સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો કચ્છના અંજારમાં 233 એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગાંધીધામમાં 113 એમએમ ખાબક્યો હતો. તો ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નીંચાળવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. તો હવામાન વિભાગનું માનીએ તો શનિવારે વરસાદનું જોર ઘટે એવી ધારણા છે. પરંતુ મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના અધિકારીઓને અલર્ટ રહેવા માટે જણાવ્યું છે.

Total Visiters :219 Total: 1376924

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *