વિપક્ષો એક થાય તો પણ કેન્દ્ર સંસદમાં વટહુકમને મંજૂરી અપાવી શકશે

દિલ્હી પરના વટહુકમને બંને ગૃહોમાં પાસ કરાવવો જરૂરી છે, રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નથી, તેથી આ મામલે કેજરીવાલને કોંગ્રેસનું સમર્થન મહત્વપૂર્ણ કહેવાય છે

નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં લવાયેલા વટહુકમનો વિરોધ કરવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આંશિક રાહત થઈ છે. આ જાહેરાત બાદ વિપક્ષી દળોની બીજી બેઠકમાં કેજરીવાલના સામેલ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે, જોકે તમામ વિપક્ષો એક થાય તો પણ કેન્દ્ર સરકાર સંસદમાં વટહુકમને મંજૂરી અપાવી શકે છે, તેમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી થવાની સંભાવના હાલ દેખાતી નથી.

દિલ્હી પરના વટહુકમને રાજ્યસભા અને લોકસભામાં બંને ગૃહોમાં પાસ કરાવવો જરૂરી છે. પરંતુ રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નથી, તેથી આ મામલે કેજરીવાલને કોંગ્રેસનું સમર્થન મહત્વપૂર્ણ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે, આંકડાઓ મુજબ સરકાર માટે વટહુકમને રાજ્યસભામાં પાસ કરાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે…

ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને લાંબી લડાઈ બાદ એડમિનિસ્ટ્રેશન સર્વિસિઝનો અધિકાર મળ્યો હતો. જોકે કેન્દ્ર સરકારે વટહુકમ લાવી દિલ્હી સરકાર પાસેથી આ અધિકાર પરત લઈ લીધો… કેન્દ્ર સરકારે 19મી મેએ વટહુકમ (ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) વટહુકમ, 2023) દ્વારા એક ઓથોરિટી બનાવી, જે ગ્રુપ-એ અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ કરશે. કેન્દ્ર સરકારના આ વલણને દિલ્હી સરકારે છેતરપિંડી કહી હતી. અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા કોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં વટહુકમને ‘કાર્યકારી આદેશનો ગેરબંધારણીય અભ્યાસ’ કહ્યો હતો. દલીલ કરાઈ હતી કે, આ બંધારણના મૂળભૂત માળખાને ‘ઓવરરાઇડ’ કરવાનો પ્રયાસ છે. દિલ્હી સરકારે વટહુકમ પર વચગાળાના સ્ટેની માંગણી કરી હતી. દરમિયાન આ વટહુકમને કાયદા હેઠળ લાવવા સંસદમાં મંજૂર કરાવવાનો છે, ત્યારે આ વટહુકમને વિધેયક રૂપે સંસદના ચોમાસા સત્રમાં રજુ કરવામાં આવે તેવી સંભાવના છે.

લોકસભામાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પૂર્ણ બહુમતમાં છે. જોકે વટહુકમને રાજ્યસભામાં પાસ કરાવવાને લઈ સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં એનડીએસરકાર પાસે બહુમતી નથી. આ જ કારણે કેજરીવાલ વિપક્ષી દળોની બેઠકમાં સામેલ થતા પહેલા કોંગ્રેસ પાસે કેન્દ્ર સરકારના વિધેયકનો વિરોધ કરવાની ગેરંટી માગી રહ્યા હતા. પરંતુ જો રાજ્યસભામાં સત્તાધારીપક્ષ, વિપક્ષ અને અન્ય પક્ષોના સાંસદોનું સમીકરણ એટલે કે આંકડાકીય સંખ્યાબળ જોઈએ તો મોદી સરકારને રાજ્યસભામાં વટહુકમને પાસ કરાવવામાં પણ કોઈ મુશ્કેલી જોવા મળી રહી નથી.

રાજ્યસભામાં સાંસદોની હાલની સંખ્યા 237 છે. આવી સ્થિતિમાં વિધેયક પાસ કરાવવા ઓછામાં ઓછા 119 સાંસદોના વોટની જરૂર પડશે. ભાજપ પાસે રાજ્યસભામાં પોતાના 92 સાંસદો છે, જ્યારે એનડીએના કુલ સાંસદોની સંખ્યા 104 છે. તો બીજી તરફ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારત રાષ્ટ્રસમિતિ (બીઆરએસ) સહિત વિપક્ષી દળોની કુલ સભ્ય સંખ્યા 105 થાય છે. આમાંથી બીઆરએસ સિવાય તમામ વિપક્ષી દળો બેંગલુરુમાં યોજાનારી બેઠકમાં સામેલ થવાના છે. આ તમામ પક્ષોએ દિલ્હી વટહુકમનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

એનડીએ પાસે રાજ્યસભામાં 104 સભ્યો છે… ઉપરાંત સત્તાધારી પક્ષ ભાજપને 5 નામાંકિત અને 2 અપક્ષ સાંસદોનું પણ સમર્થન મળવાનું નક્કી છે. આ રીતે સત્તાધારી પક્ષની અસરકારક સંખ્યા 111 પર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં 2 પક્ષો ઓડિશામાં સત્તાધારી બીજેડી અને આંધ્રપ્રદેશની સત્તાધારી વાઈએસઆર કોંગ્રેસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળી શકે છે. આ બંને પક્ષો પાસે 9-9 સાંસદો છે. આ બંને પક્ષોએ ઘણા મહત્વપૂર્ણ સમયસંજોગો વખતે સરકારને સમર્થન આપ્યું છે અને તેઓ વિરોધ પક્ષો સાથે પણ નથી.

જ્યારે રાજ્યસભામાં દિલ્હી વટહુકમ વિધેયક પર મતદાન શરૂ થાય અને જો આ બંને પક્ષો (બીજેડીઅને વાયએસઆરકોંગ્રેસ) ગેરહાજર રહે, તો આ વિધેયકને પાસ કરાવવા માટે જરૂરી સંખ્યા ઘટીને 110 થઈ જશે. જ્યારે સરકાર પાસે પોતાના 111 સભ્યો છે. એટલું જ નહીં જેડીએસ, ટીડીપી અને બીએસપી પાસે પણ 1-1 સાંસદો છે. આ પક્ષો પણ અગાઉ ઘણા મહત્વપૂર્ણ સમયસંજોગો વખતે કેન્દ્ર સરકારને સમર્થન આપી ચુકી છે. જ્યારે ટીડીપી અને જનતા દળ (સેક્યુલર) એનડીએમાં સામેલ થવાની ચર્ચા પણ ચાલી રહી છે.

જો વટહુકમ મામલે કેન્દ્રની મોદી સરકારને બીજેડી (9 સાંસદ), વાઈએસઆર કોંગ્રેસ (9 સાંસદ), જેડીએસ (1 સાંસદ), ટીડીપી (1 સાંસદ) અને બીએસપી (1 સાંસદ)નો સાથ મળશે તો એનડીએમાં સભ્યોની સંખ્યા 132 પર પહોંચી જશે અને વટહુકમ વિધેયકને પાસ કરાવવા માટે મોદી સરકારનો રસ્તો સાફ થઈ જશે.

ઉપરોક્ત આ તમામ આંકડો પર નજર કરીએ તો કેન્દ્ર સરકારને દિલ્હી પર વટહુકમ લાવવામાં સંસદમાંથી મંજૂરી મળવાનું નક્કી છે, પરંતુ જો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ વિધેયકને પાડવાનો નિર્ણય ન લે… પરંતુ હાલમાં આવી કોઈ સંભાવના દૂર-દૂર સુધી દેખાતી નથી.

Total Visiters :186 Total: 1491520

By Admin

Leave a Reply