નાણાકીય વર્ષ 21-22 માટે આ દર 8.10 ટકા હતો, 2022-23 માટે ઈપીએફ પર વ્યાજ દર ઈપીએફઓના પાંચ કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરાશે
નવી દિલ્હી
નાણામંત્રાલયે નાણાકીય વર્ષ 2023 માટે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ પર 8.15 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ અગાઉ ઈપીએફઓએ સરકારને આટલું જ વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે નાણામંત્રાલયે આનો સ્વીકાર કરતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ઈપીએફઓએ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવશે. આ પહેલા નાણાકીય વર્ષ 21-22 માટે આ દર 8.10 ટકા હતો જે અગાઉ માર્ચમાં ઈપીએફઓએ તેની બે દિવસીય બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 2022-23 માટે ઈપીએફ થાપણો પર વ્યાજ દરમાં વધારો કરવા માટે તેમજ તેને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેને આજે મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારની મંજૂરી મળ્યા બાદ, 2022-23 માટે ઈપીએફ પર વ્યાજ દર ઈપીએફઓના પાંચ કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ અગાઉ માર્ચ 2022માં ઈપીએફઓએ 2021-22 માટે ઈપીએફ પરના વ્યાજને તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સ માટે 8.1 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડી દીધો હતો, જે અગાઉ 8.5 ટકા હતો. આ દર 1977-78 પછી સૌથી નીચો હતો, જ્યારે ઈપીએફ પર 8 ટકા વ્યાજ દરનો ઉપયોગ થતો હતો. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પરનો વ્યાજ દર 2018-19 માટે 8.65% થી ઘટાડીને 2019-20 માટે 8.5%ના સાત વર્ષના નીચલા સ્તરે કર્યો હતો.