કંપનીના અગાઉના ફાયનાન્સ ચીફ ઝાચેરી કિર્કહોર્ન પદ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી
વોશિંગ્ટન
ભારતીય મૂળના વ્યક્તિઓ વિશ્વમાં ઘણી મોટી મોટી ટેક કંપનીના પ્રમુખ પદ પર નિયુક્ત થયેલા છે અને સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિભામાં વધારો કરે છે. એવામાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિ વૈભવ તનેજાને ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કે મોટી જવાબદારી સોપી છે. ભારતીય મૂળના વૈભવ તનેજાને ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) બનાવવામાં આવ્યા છે.
કંપનીના અગાઉના ફાયનાન્સ ચીફ ઝાચેરી કિર્કહોર્ન પદ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. તનેજાની ઉંમર 45 વર્ષની છે. તેઓ કિર્કહોર્ન કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર (સીએઓ) તરીકે પણ સેવા આપવાનું ચાલુ રાખશે. ઈલોન મસ્કની આગેવાની હેઠળની કંપની સાથે કિર્કહોર્નના 13 વર્ષના કાર્યકાળને કંપનીએ જબરદસ્ત વૃદ્ધિનો સમયગાળો ગણાવ્યો હતો. વૈભવ તનેજા માર્ચ 2019 થી ટેસ્લાના સીએઓ તરીકે અને મે 2018 થી કોર્પોરેટ કંટ્રોલર તરીકે કામ કરી રહ્યા છે. તેણે અગાઉ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં પણ કામ કર્યું છે.
ટેસ્લા નજીકના ભવિષ્યમાં દેશમાં તેના ઓટો પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રેન્જ લાવવા માટે ભારત સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે. મસ્કે જૂનમાં યુએસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારત આવશે.