ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા
મુંબઈ
આજે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એશિયન પેઇન્ટ્સ,આઇટીસી,કોટક મહિન્દ્રા બેંક,બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઓએનજીસી ટોચના નિફ્ટી ગેઇનર્સ હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 307.63 પોઈન્ટ્સ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 65,688.18 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી 89.45 પોઈન્ટ એટલે કે 0.46 ટકાના ઘટાડા સાથે 19543.10 ના સ્તર પર બંધ થયો હતો.
આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આરબીઆઈએ બેંકો માટે વધારાના કેશ રિઝર્વ રેશિયો રાખવાની જોગવાઈ કરી છે, જેના કારણે બેંક નિફ્ટી 339 પોઈન્ટના ઘટાડા સાથે 44,541 પોઈન્ટ પર બંધ થયો છે. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે માત્ર મીડિયા, એનર્જી, મેટલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર જ તેજી સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 વધ્યા અને 19 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર વધીને અને 31 ઘટીને બંધ રહ્યા હતા.
આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 305.54 લાખ કરોડ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 306.29 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. જેનો અર્થ છે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 75,000 કરોડનો ઘટાડો થયો છે.
આજના કારોબારમાં ઇન્ડસઇન્ડ બેન્ક 1.59 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.88 ટકા, ટાઇટન કંપની 0.83 ટકા, પાવર ગ્રીડ 0.73 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.70 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે એશિયન પેઇન્ટ્સ 2.89 ટકા, કોટક મહિન્દ્રા 1.63 ટકા, આટીસી 1.56 ટકા, ભારતી એરટેલ 1.08 ટકા ઘટીને બંધ થયા હતા.
સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારની શરૂઆત નબળી થઈ હતી. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીએસઈ સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ ઘટીને 65,900ની સપાટીએ પહોંચી ગયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 20 પોઈન્ટની નરમાઈ સાથે 19,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારની નરમાઈમાં બેન્કિંગ અને આઈટી સેક્ટર મોખરે છે. એચસીએલ, ટેક, હિરો મોટોકોર્પ નિફ્ટીમાં ટોપ લુઝર છે. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઓએનજીસીના શેર ટોપ ગેઇનર રહ્યા હતા.