હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી
નવી દિલ્હી
દિલ્હીમાં છેલ્લા 15 દિવસથી કઈ ખાસ વરસાદ નથી થયો. જો કે ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડમાં કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે હવામાન વિભાગે ઉત્તરાખંડના 6 જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 12થી 14 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ દેશના બાકીના ભાગોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ થવાની સંભાવના ઓછી છે. મધ્યપ્રદેશ અને રાજધાની દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી. અહીં વાદળો છવાયા રહેશે અને જોરદાર પવન ફૂંકાતો રહેશે. દિલ્હીમાં 15 ઓગસ્ટ બાદ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 12થી 14 ઓગસ્ટ વચ્ચે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં 15 ઓગસ્ટ પછી વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં પણ 14 ઓગસ્ટ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. આ દરમિયાન કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડી શકે છે. જો કે 15 ઓગસ્ટ પછી મુશળધાર વરસાદ શરૂ થઈ શકે છે. બિહારના 9 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
મળેલા અહેવાલો મુજબ બિહાર, ઝારખંડ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, મેઘાલય, નાગાલેન્ડ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય છત્તીસગઢ, ઓડિશા, પૂર્વોત્તર ભારત, આંતરિક કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. માત્ર મધ્યપ્રદેશ, કોંકણ ગોવા, લક્ષદ્વીપ અને આંધ્રપ્રદેશમાં જ ઝરમર વરસાદની શક્યતા છે.