11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
ભુવનેશ્વર
ઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થઈ ગયા છે અને 11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ભદ્રક, બાલેશ્વર અને મયૂરભંજના લોકો સામેલ છે. ભદ્રક જિલ્લાના તિહિડી અને ચાંદબાલી બ્લોકથી પાંચ, બાલેશ્વર જિલ્લાના બસ્તા બ્લોકથી પાંચ, મયૂરભંજ જિલ્લાના બેતનટી અને બારીપદા સદર બ્લોકથી એક-એક વ્યક્તિના મોત થયા છે.
ઓડિશામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 3 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ વચ્ચે વીજળી પડવાના કારણે રાજ્યમાં 12 લોકોના મોત થઈ ગયા છે અને 11 ઘાયલ થયા છે. જોકે, આ પહેલી વખત નથી કે, ઓડિશામાં વીજળીનો કહેર જોવા મળ્યો હોય. દર વર્ષે વરસાદ સમયે ઓડિશામાં આવી સ્થિતિ ઊભી થાય છે. ગંભીર વાત એ છે કે, વીજળીનો શિકાર બાળકો પણ બની ગયા છે. કેટલાક બાળકોના પણ મોત થઈ ગયા છે.
બાલાસોર જિલ્લાના બસ્તા અને ઔપડા બ્લોકમાં વિવિધ સ્થળોએ વીજળી પડવાથી એક બાળક સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
એક તરફ ઓડિશામાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે જ્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી અનેક લોકોના મોત થયા છે.