મહિલાના ઘરની ઉપરથી વીજળીની લાઈન પસાર કરાતી હોવાના કારણે વિરોધ કરતા પોલીસે ભાન ભૂલીને કાર્યવાહી કરી
કટની
ભારત જેવા લોકશાહી દેશમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવો સદંતર સજાને પાત્ર છે, તેમ છતાં અવાર-નવાર મહિલાઓ સાથે ગેરવર્તન સહિતના બનાવો સોશિયલ મીડિયામાં સામેલ આવતા હોય છે, ત્યારે મહિલા સાથે તાલીબાની કૃત્યની વધુ એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસે મહિલા સાથે તાલીબાની કાર્યવાહી કરી છે. સ્ત્રીઓ પ્રત્યેના સન્માનનું ભાન ભૂલી પોલીસ મહિલાને વાળ પકડી ઢસડીને લઈ જવાની ઘટના બની છે. આમાં મહિલા અને તેના પરિવારનો માત્ર એટલો જ વાંક છે કે, તેમણે વિરોધ કર્યો હતો…. આ મામલે પોલીસનો ગુસ્સો એટલો બધો આસમાને પહોંચી ગયો કે, વિરોધ કરી રહેલી મહિલાને ઢસડીને લઈ ગઈ છે.
મળતા અહેવાલો મુજબ મધ્યપ્રદેશના કટની જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પોલીસ જવાનો એક મહિલાના વાળ પકડીને તેણીને ઢસડી રહ્યા છે… પોલીસની હેવાનિયતનો વીડિયો જોનારા યુઝર્સો પણ આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પોલીસે શાંતિ ભંગ કરવાના આરોપમાં મહિલા અને તેમના પરિવારના અન્ય સભ્યોને જેલમાં પણ ધકેલ્યા હતા. આ વીડિયો લગભગ દોઢ મહિના પહેલાનું હોવાનું કહેવાઈ રહ્યું છે.
મહિલા સાથે તાલીબાની કાર્યવાહી કરવાનો વાયરલ વીડિયો કટની જિલ્લાના સ્લીમાનાબાદ પોલીસસ્ટેશન વિસ્તારમાં આવતા કૌડિયા ગામનો હોવાનું હેવાય છે. આ મામલો 6 જુલાઈએ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ દિવસે વીજળીની હાઈટેન્શન લાઈન નાખવામાં આવી રહી હતી, જે અંગે મહિલાએ વિરોધ કર્યો હતો. મહિલાના ઘરની ઉપરથી વીજળીની લાઈન પસાર કરાતી હોવાના કારણે તેણીએ વિરોધ કર્યો હતો. ઉપરાંત મહિલાના ખેતરમાં પણ ટાવર લગાવવાનું કામ ચાલી રહ્યું હતું.
એવું કહેવાય છે કે, છૈના બાઈ અને તેમનો પરિવાર વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ જવાનોએ મહિલા સામે આકરી કાર્યવાહી કરી તેણીને વાળ પકડીને ઢસેડી… આ ઘટના સોશિયલ મીડિયાના વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહી છે. મહિલા અને તેના પરિવારજનો પર શાંતિ ભંગ કરવાનો આરોપ લગાવી કલમ 151 હેઠળ કેસ નોંધી જેલમાં ધકેલી દેવાયા… એટલું જ નહીં પોલીસે ઘટનાને નજરે જોનારાઓના મોબાઈલ પણ જપ્ત કરી લીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે મોટાભાગના મોબાઈલમાંથી વીડિયો પણ ડિલીટ કરી દીધા હતા, જોકે એક મોબાઈલ લોક હોવાથી વીડિયો ડિલીટ કરવામાં પોલીસ નિષ્ફળ રહી… હવે તે જ ફોનથી આ વીડિયો વાયરલ થયો છે.
કટનીના અધિક પોલીસ અધિક્ષક મનોજ કેડિયાએ જણાવ્યું કે, આ બહોરીબંધ વિસ્તારનો મામલો છે, જ્યાં પાવર કંપનીએ પાવર ટ્રાન્સમિશન ટાવર લગાવવાના છે. જમીન સંપાદન કરાઈ રહ્યું હતું… ત્યારે આ દરમિયાન જ મહિલાએ હોબાળો મચાવ્યો… મહિલા સાથે મારપીટ કરાઈ નથી.. મહિલા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ… આ વીડિયો જૂનો છે.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના મીડિયા સલાહકાર પીયૂષ બબેલેએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ છે મધ્યપ્રદેશના શિવરાજ મામાની લાડલી બેહના યોજના… મહાભારતમાં દુશાસન જે કામ કરતો હતો, તે કામ મધ્યપ્રદેશમાં મામાનું શાસનમાં થઈ રહ્યું છે. મહિલાના વાળ પકડીને ઢસેડવામાં આવી રહી છે… એટલું જ નહીં મધ્યપ્રદેશ 18 વર્ષમાં અત્યાચાર મામલે આટલું બધુ આગળ નિકળી ગયું છે.