ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી, પાયલોટે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરતા ફાયર સ્ટાફે તત્કાળ સ્થળે જઈને આગ પર નિયંત્રણ મેળવ્યું
ઉદયપુર
ઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી, જે બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આગની જાણ થતાં જ લોકો પાયલોટે સિથોલી પાસે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ પહેલા બેંગલુરુના ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (કેએસઆર) રેલવે સ્ટેશન પર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગ લાગી ગઈ હતી.
માહિતી મળતાની સાથે જ ગ્વાલિયરથી ફાયર સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર સ્ટાફ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એન્જિનમાં આગ લાગવાને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મળેલ માહિતી મુજબ ઉદયપુર ખજુરાહો એક્સપ્રેસ ગ્વાલિયર સ્ટેશન પર તેના નિર્ધારિત સમય 12:14 મિનિટના બદલે 12:35 મિનિટ મોડી પહોંચી હતી. આ પછી ટ્રેન 12:45 વાગ્યે ઝાંસી માટે રવાના થઈ હતી. જ્યારે તે ગ્વાલિયર સ્ટેશનથી લગભગ 7 કિમી દૂર સિથોલી સ્ટેશન પાસે પહોંચી ત્યારે તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ લોકો પાયલટે ટ્રેન રોકી હતી. આ પછી કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. એન્જિનમાં આગ લાગી હોવાની લોકોને જાણ થતાં જ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. તમામ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.