કિડનીની સારવાર માટે ગયેલી 23 વર્ષની યુવતીની ગેંગરેપ બાદ તબિયત વધારે બગડતાંપાક.ના હૈદ્રાબાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
ઈસ્લામાબાદ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સારવાર માટે ગયેલી એક હિન્દુ મહિલા પર ડોકટરોએ ગેંગ રેપ કર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના બની છે.
પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ તો હિન્દુઓ અને સિખોને નિશાન બનાવે છે પણ ડોકટરોએ પણ હેવાનિયતભર્યુ કૃત્ય આચરીને હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી છે.
23 વર્ષની આ યુવતી કિડનીની સારવાર માટે ગઈ હતી. ગેંગરેપ બાદ તેની તબિયત વધારે બગડી હતી અને તેને પાકિસ્તાનના હૈદ્રાબાદ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સ્થિતિ વધારે ગંભીર છે. આ મામલા બાદ આરોપી ડોકટર અને બીજો સ્ટાફ ફરાર છે.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, હું સિંધ પ્રાંતમાં આવેલી ઈન્ડસ હોસ્પિટલના કિડની વોર્ડમાં સારવાર માટે ગઈ ત્યારે ડોકટરોએ મને નશાયુક્ત દવા આપી હતી અને બાદમાં મારા પર ગેંગરેપ કર્યો હતો.
મહિલાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ લખાવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને વહેલી તકે પકડી લેવાશે તેવો દાવો કર્યો છે. પીડિત મહિલાના પરિવારજનોએ રોષે ભરાઈને દેખાવો પણ કર્યા હતા. તેમનુ કહેવુ હતુ કે, હિન્દુ સમુદાયની મહિલાઓ હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી.