રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 5,000 શિષ્યવૃત્તિઓઃ અરજી કરવાના સમયગાળાનો પ્રારંભ

Spread the love

· વિદ્યાર્થીઓને રૂ।. 2 લાખ સુધીનું અનુદાન મળશે અને તેઓ અભ્યાસ માટેની આ સહાયક વ્યવસ્થાનો ભાગ બનવા ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગતિશીલ નેટવર્કનો હિસ્સો બની શકશે

· શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ભારતમાં કોઈ પણ વિદ્યાશાખામાં અંડરગ્રેજ્યુએટ સ્તરે ભણતા પ્રથમ વર્ષના ફુલટાઇમ વિદ્યાર્થીઓ અરજી કરી શકશેઃ છેલ્લી તારીખઃ 15 ઑક્ટોબર 2023

· રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કોલરશિપ્સ (શિષ્યવૃત્તિઓ) ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની સૌથી મોટી, સર્વસમાવેશક અને વૈવિધ્યપૂર્ણ ગણાતી યોજનાઓમાં સામેલ છે

મુંબઈ

રિલાયન્સ ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિની યોજના હેઠળ અરજીઓ આવકારવામાં આવી રહી છે. દેશભરમાં કોઈ પણ વિદ્યાશાખામાં અંડરગ્રેજ્યુએટ સ્તરે ભણતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ 15 ઑક્ટોબર 2023 સુધીમાં શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 5,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. આ યોજના ભારતની સૌથી મોટી, સર્વસમાવેશક અને વૈવિધ્યપૂર્ણ ગણાતી યોજનાઓમાં સામેલ છે.

રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી દૃઢપણે માનતા કે યુવાનોની શક્તિ અને સામર્થ્યમાં રોકાણ કરવાનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. આ જ માન્યતાને આગળ વધારીને રિલાયન્સ ફાઉન્ડેશને શિષ્યવૃત્તિઓ મારફતે યુવાનોને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરાવીને એમનું સશક્તિકરણ કરવાનું ધ્યેય રાખ્યું છે. ડિસેમ્બર, 2022માં ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતી નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જાહેર કર્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેના એમના ધ્યેયના ભાગરૂપે 10 વર્ષમાં કુલ 50,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવા પ્રતિબદ્ધ રહેશે.

રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ્સ માટે વિદ્યાર્થીઓની પસંદગી એમના ગુણાંક અને આર્થિક સ્થિતિના આધારે કરવામાં આવશે, જેથી તેઓ કોઈ પણ આર્થિક બોજ વગર પોતાનો અભ્યાસ પૂરો કરી શકે. વિદ્યાર્થીઓ સફળ વ્યાવસાયીઓ બને અને પોતાનાં સ્વપ્નો સાકાર કરે, પોતાના તથા સમાજના ઉત્કર્ષની સંભાવનાઓના દરવાજા ખોલે તથા ભારતના ભાવિ સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપે એવો આ શિષ્યવૃત્તિઓ આપવા પાછળનો ઉદ્દેશ્ય છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ જગન્નાથ કુમાર કહે છે, “વિશ્વમાં યુવાનોની વસતિની દૃષ્ટિએ ભારત પ્રથમ ક્રમાંકે છે. આપણા યુવાધન પાસે રાષ્ટ્રને નવી ઉંચાઈએ લઈ જવા માટેનું ભરપૂર સામર્થ્ય છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવવા માટેની તક અને ઉપલબ્ધતા પૂરી પાડીએ છીએ. યુવાનો પોતાની આંકાક્ષાઓ સાકાર કરી શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે એ માટે એમને મદદરૂપ થવા અમે કટિબદ્ધ છીએ.”

રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ્સ યોજના હેઠળ પસંદ કરાયેલા હોંશિયાર વિદ્યાર્થીઓને એમના અભ્યાસના સંપૂર્ણ સમયગાળા માટે રૂ।. 2 લાખ સુધીનું અનુદાન આપવામાં આવશે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવાં કૌશલ્યો પ્રાપ્ત કરાવી આપવામાં તથા એમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગતિશીલ નેટવર્કનો હિસ્સો બનાવવામાં મદદરૂપ થનારી વ્યવસ્થામાં આ સ્કોલરશિપને સામેલ કરી લેવાશે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ પ્રાપ્ત થાય એના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના એપ્ટિટ્યુડ ટેસ્ટ, બારમા ધોરણના ગુણાંક, પરિવારની આવક તથા અન્ય માપદંડના આધારે સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવશે.

ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સ મારફતે છેક 1996થી રિલાયન્સે અંડરગ્રેજ્યુએટ સ્તરે શિષ્યવૃત્તિઓ આપી છે અને અત્યાર સુધીમાં અડધાથી વધુ વિદ્યાર્થિનીઓ અને આશરે 2,800 દિવ્યાંગો સહિત કુલ 18,000 કરતાં વધુ યુવાનોને શિષ્યવૃત્તિઓ આપવામાં આવી ચૂકી છે. એનો લાભ લઈને ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને સમાજમાં તથા દેશ-વિદેશની સંસ્થાઓમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ્સ 2022-23 માટે આશરે એક લાખ વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યાં હતાં. ભારતનાં લગભગ તમામ રાજ્યોમાંથી 40,000 અરજીઓ આવી હતી. એમાંથી પાત્રતાના આધારે 5,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. એમાંથી 51 ટકા વિદ્યાર્થિનીઓ હતી અને 97 દિવ્યાંગો હતા. પસંદગી પામેલા વિદ્યાર્થીઓ 1,630 શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા હતા. તમામ વિદ્યાશાખાના ફુલટાઇમ ગ્રેજ્યુએશન કોર્સમાં તેઓ અભ્યાસરત હતા.

રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સ વિશે અને એના માટે અરજી કરવા વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા આ વેબસાઇટ જોઈ જવા અનુરોધ છેઃ www.scholarships.reliancefoundation.org

Total Visiters :307 Total: 1384827

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *