આ હુમલામાં 36થી વધુ લોકો ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત, ડ્રોન હુમલા પાછળ કયો પક્ષ છે તે હજુ સ્પષ્ટ નથી
ખાર્તુમ
સુદાનમાં ગૃહયુધ્ધની સ્થિતિ દિવસેને દિવસે ખરાબથી અતિ ખરાબ થઇ રહી છે. દેશ પર કબજો મેળવા માટે સેના અને અર્ધલશ્કરી દળો સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. સુદાનમાં આવી સ્થિતિના કારણે સામાન્ય લોકો ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યા છે. આ વચ્ચે તેમની રાજધાની ખાર્તુમથી એક ભયાનક ખબર સામે આવી રહી છે. ગઇકાલે ખાર્તુમમાં એક ડ્રોન હુમલા થયો હતો જેને સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.
એક અહેવાલ પ્રમાણે ખાર્તુમની એક બજાર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. સાથે જ આ હુમલામાં 36થી વધુ લોકો ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત થયા છે. ઈજ્જાગ્રસ્તોને સારવાર માટે બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ ડ્રોન હુમલા પાછળ કયો પક્ષ છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ આ હવાઈ હુમલા બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સુદાનમાં 5 એપ્રિલથી શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદ નાગરિકોના મોતનો આ સૌથી મોટો આંકડો છે.
રિપોર્ટ અનુસાર, આ ઘટના બાદ આરએસએફએ નિવેદનમાં સુદાનની સેના પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઇ નથી. ઉપરાંત સુદાનની સેનાએ આ હુમલાની જવાબદારીનો લેવાનો ઇનકાર કર્યો હતો અને આરએસએફને દોષી ઠેરવ્યો હતા.
ઓગસ્ટના યુએનના આંકડા અનુસાર, સેના અને આરએસએફ વચ્ચેના સંઘર્ષમાં 4,000 થી વધુ લોકોના મોત થયા છે. સંઘર્ષ વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ દેશ છોડી દીધો છે. હિંસાને કારણે લગભગ 71 લાખ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે, જ્યારે 11 લાખ લોકોએ વિદેશમાં આશરો લીધો છે.
સુદાન છેલ્લા પાંચ- છ મહિનાઓથી ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ઉત્તર-પૂર્વ આફ્રિકન દેશ સુદાનમાં 15 એપ્રિલથી સશસ્ત્ર દળો અને તેમના હરીફ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે, પોર્ટ સુદાન એરપોર્ટનો ઉપયોગ રાજદ્વારી મિશન, વિદેશીઓ અને દેશમાંથી ભાગી રહેલા લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે.