દેશના દક્ષિણ ભાગમાં કેટલીક શક્તિઓએ અંગ્રેજો દ્વારા ઉત્પન્ન કરાયેલ સનાતન ધર્મ વિરોધી વિચારોનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાનો આક્ષેપ
ઈન્દોર
મધ્યપ્રદેશના નવેમ્બરમાં સંભવિત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે મધ્યપ્રદેશ આવેલા વી.કે.સિંહે ઈન્દોરમાં પત્રકાર સાથે વાતચીત દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. ગઈકાલે અનંતનાગમાં થયેલા હુમલા મામલે ગુસ્સે ભરાયેલા વી.કે.સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધું છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા પહેલા કરતા ઘટી છે અને આ સરહદી પ્રાંતને દેશના અન્ય ભાગોથી અલગ માનનારા અલગતાવાદીઓ દ્વારા ફેલાવાતી ગેરસમજ પણ દુર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ‘જમ્મુ કાશ્મીરમાં ઈન્ફ્રાક્ટ્રક્ચર, ઉદ્યોગો અને પર્યટનમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. જો સામાન્ય કાશ્મીરી નાગરિકને પૂછવામાં તો તે કહેશે કે, તે વિકાસથી ખુબ ખુશ છે.
ગઈકાલે અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળના 3 અધિકારીઓ શહિદ થવા મામલે પૂર્વ આર્મી ચીફે કહ્યું કે, (જમ્મુ-કાશ્મીરમાં) છૂટક આતંકવાદી ઘટનાઓ થતી રહેશે… આતંકી ઘટનાઓને રોકવામાં સમય લાગશે, કારણ કે એક દેશ (પાકિસ્તાન) એવો છે, જે ભલે નાદાર થઈ ગયો હોય, પરંતુ તેના દિમાગમાં ભારતની આંતરીક બાબતો સાથે છેડછાડની કરવાની નાપાક વિચારો ગયા નથી. જ્યારે આ દેશ છિન્ન-ભિન્ન થઈ જશે, તો આ બાબતો આપો આપ ખતમ થઈ જશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કાશ્મીરી પંડિતોને ખીણમાં ફરી વસાવવા સરકારના ભરપુર પ્રયાસો કરી રહી છે, પરંતુ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને કેટલાક સ્થાનિક લોકો પોત-પોતાના સ્વાર્થના કારણે સરકારના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. જોકે આવી સ્થિતિ વધુ દિવસો સુધી જોવા નહીં મળે, તમે માત્ર થોડા દિવસો સુધી રાહ જુઓ.
સનાતનની ટીકા બાદ દેશભરમાં વિવાદનો મધપુડો છેડાયો છે, ત્યારે સનાતન મુદ્દે વી.કે.સિંહે કહ્યું કે, ભારતની આઝાદી બાદ અંગ્રજો તો જતા રહ્યા, પરંતુ દેશના દક્ષિણ ભાગમાં કેટલીક શક્તિઓએ અંગ્રેજો દ્વારા ઉત્પન્ન કરાયેલ ‘સનાતન ધર્મ વિરોધી વિચારો’નો રાજકીય ફાયદો ઉઠાવ્યો… તેમણે કહ્યું કે, દ્રમુક (દ્રવિડ મુનેત્ર કષગમ) આવી જ શક્તિઓમાંથી ઉત્પન્ન થયેલો રાજકીય પક્ષ છે… વર્તમાન સમયમાં દ્રમુકનું રાજકીય અસ્તિત્વ જોખમમાં હોવાના કારણે જ તેમાન નેતા સનાતન ધર્મ વિરુદ્ધ વાતો જરૂર વાતો કરશે…