આ નિર્ણય પારદર્શકતા અને જવાબદેહી લાવવા માટે છે, એનજેડીજી પોર્ટલ પર કેસનો દર મહિનાનો અને વર્ષ અનુસાર વિગતવાર ડેટા હશે
નવી દિલ્હી
સુપ્રીમકોર્ટે ઐતિહાસિક પહેલ કરતાં તમામ લંબિત કેસના ડેટાને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (એનજેડીજી) પર અપલોડ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટ અત્યાર સુધી એનજેડીજી ના દાયરાથી બહાર હતી. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે તેની શરૂઆત કરી છે.
સીજેઆઈ ચંદ્રચૂડે તેની જાહેરાત કરતાં કહ્યું કે આ પારદર્શકતા અને જવાબદેહી લાવવા માટે છે. 80000 કેસ પેન્ડિંગ છે. 15000 અત્યાર સુધી રજિસ્ટર્ડ નથી એટલા માટે તે અત્યાર સુધી લંબિત નથી. અમારી પાસે હવે ગ્રાફ છે. જુલાઈમાં 5000થી વધુ કેસનો નિકાલ લવાયો હતો.
સીજેઆઈએ કહ્યું કે 3 જજોની બેન્ચ સમક્ષ 583 કેસ લંબિત છે અને હું જલદી જ એ બેન્ચોની રચના કરીશ. અમારી પાસે સિવિલ અને ગુનાહિત બંને પ્રકારના કેસ સંબંધિત ડેટા છે. વર્ષ 2000 પહેલાંના લગભગ 100થી પણ ઓછા કેસ છે. એટલા માટે આ તમામ જૂના કેસનો નિકાલ લાવવા માટે એક ડેટાબેઝ પૂરું પાડે છે. હું વિશેષ બેન્ચની રચના કરવાની તૈયારી કરી રહ્યો છું.
એનજેડીજી પોર્ટલ પર કેસ દાખલ થવા અને તેનો નિકાલ આવતા દર મહિનાનો અને વર્ષ અનુસાર વિગતવાર ડેટા હશે. સીજેઆઈએ કહ્યું કે અમે હાઈકોર્ટ અને જિલ્લા કોર્ટ માટે જે કરી રહ્યા છીએ તે જ સુપ્રીમકોર્ટ માટે પણ કરવું જોઈએ.