ઈ-કોમર્સ કંપનીઓ-નાના વેપારીઓ એકબીજાના પુરક બને એવી નીતિ લવાશે

Spread the love

ઈ-કોમર્સ પોલિસીમાં તમામના હિતોની વાત છે અને તમામ લોકોના લાભનું ધ્યાન રખાશે


નવી દિલ્હી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, ઈ-કોમર્સ પોલિસીમાં કોરોના કાળમાં ગ્રાહકોનું ધ્યાન રાખનાર નાના તેમજ ઓફલાઈન વેપારીઓની અવગણના કરવામાં નહીં આવે. ગોયલે કહ્યું કે, સરકાર ટુંક સમયમાં ઈ-કોમર્સ પોલિસીની જાહેરાત કરી શકે છે. પોલિસીમાં તમામ કંપનીઓને લાભ થાય અને ઈ-કોમર્સ કંપનીઓ તેમજ નાના વેપારીઓ એકબીજાના પુરક બને તેવો પ્રયાસ કરાશે.
ગોયલે કહ્યું કે, છૂટક વેપાર અને એમએસએમઈની સુરક્ષા કરવી સરકારની સ્પષ્ટ નીતિમાં સામેલ છે અને વેપારીઓ અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં જ્યારે ઈ-કોમર્સ કંપનીઓ લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવામાં ફેલ થઈ હતી, ત્યારે નાના વેપારીઓએ પોતાની જીવ જોખમમા નાખી અને પોતાનું સ્વાસ્થ્ય દાવ લગાવી ગ્રાહકો સુધી સામાન પહોંચાડવાનું કામ કર્યું…
ગોયલે કહ્યું કે, આ નાના તેમજ ઓફલાઈન છુટક વેપારીઓનું મોટું યોગદાન છે. અમે ઈ-કોમર્સ પોલિસીમાં આ વેપારીઓને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થવા દઈએ. ઓફલાઈન વેપાર કરનારા નાના વેપારીઓ માટે સરકાર ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) પ્લેટફોર્મ લઈને આવી છે. ગોયલે કહ્યું કે, જાહેર થનાર ઈ-કોમર્સ પોલિસીમાં તમામના હિતોની વાત છે અને તમામ લોકોના લાભનો ખ્યાલ રખાયો છે.
ઓફલાઈન છુટક વેપારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા મોટા ડિસ્કાઉન્ટ સાથે પ્રોડક્ટ વેચવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આમ કરવાથી તેમનું વેચાણ ઘટી ગયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવી ઈ-કોમર્સ પોલિસીમાં ખર્ચથી ઓછી કિંમતે માલ વેચવાની મંજૂરી અપાશે નહીં. તમામ ઈ-કોમર્સ કંપનીઓએ સરકારમાં નોંધણી ફરજીયાત કરાવવી પડશે. ગ્રાહકો તેમની સામે ફરિયાદ કરી શકશે. ફરિયાદનો તુરંત ઉકેલ લવાશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તમામ વેચાણકર્તાઓની માહિતી હશે. ઈ-કોમર્સ કંપનીઓએ માર્કેટ પ્લેસ અને ઈન્વેન્ટ્રી મોડલ વચ્ચેનું સ્પષ્ટ અંતર બતાવવાનું રહેશે.
ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોડક્ટ વેચનારી તમામ કંપનીઓને ઈ-કોમર્સ પોલિસીના દાયરામાં લાવી શકાય છે. ગત મહિને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં ઈ-કોમર્સ પોલિસી સાથે સંબંધીત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી ઈ-કોમર્સ પોલીસ લાવવા પર કામ ચાલી રહ્યું છે, જોકે હજુ સુધી તેની જાહેરાત થઈ નથી.

Total Visiters :151 Total: 1344191

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *