દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ નવેમ્બર મહિનામાં પૂરું થઇ જશે, આ સાથે જ આને છેલ્લે નિર્ધારિત જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે
અયોધ્યા
અયોધ્યાના રામ મંદિરના દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત 10 દરવાજાઓના ફિટિંગની ટ્રાયલ પણ પૂરી થઇ ગઈ છે. સોનાના જડતરના કારીગરોએ દરવાજાની ફિટિંગનું પરીક્ષણ પણ કર્યું હતું. અત્યાર સુધી જે દરવાજાઓનું નિર્માણ થઇ ચુક્યું છે તેમના પર સોનું લગાવવા માટે મોલ્ડિંગ બનાવવાનું પણ શરુ કરી દેવાયું છે. મોલ્ડિંગ પહેલા આ દરવાજા પર કોતરણીનું કામ કરવામાં આવ્યું છે. જે પછી સોનું લગાવવા માટે દરવાજા પર મોલ્ડ બનાવવામાં આવી રહ્યા છે. આ કામ દિલ્હીના ચાર કારીગરો કરી રહ્યા છે.
દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ નવેમ્બર મહિનામાં પૂરું થઇ જશે. આ સાથે જ આને છેલ્લે નિર્ધારિત જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. રામ મંદિરના તમામ દરવાજા મહારાષ્ટ્રના જંગલોના સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. હૈદરાબાદના કારીગરો તેમને રામસેવકપુરમમાં બનાવી રહ્યા છે. દરવાજા પર બની રહેલા મોલ્ડ પર પહેલા કોપરનું લેયર ફીટ કરવામાં આવશે ત્યાર પછી તેના પર સોનાનું લેયર લગાવવામાં આવશે.
એક્ઝિક્યુટિવ બોડીના એક અધિકારીના જણાવ્યા અનુસાર રામ મંદિરમાં પહેલા કુલ 42 દરવાજા લગાવવાના હતા, પરંતુ હવે તેમાં વધુ ચાર દરવાજા લગાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરમાં દરવાજાઓની મહત્તમ સંખ્યા 18 હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે સીઢીઓ બનાવવામાં આવી રહી છે. આ સીઢીઓ સામે બે-બે દરવાજા લગાવવામાં આવશે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જે દરવાજા બની ચુક્યા છે તેમને મંદિરમાં લગાવવાનું ટ્રાયલ અલગ અલગ તબક્કામાં પૂરું કરવામાં આવી રહ્યું છે. અંતિમ તબક્કામાં ગોલ્ડ પ્લેટિંગના કારીગરો પણ હાજર હોય છે.