રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડિનરમાં પણ ટ્રુડો સામેલ થયા નહોતા, બે દિવસ સુધી હોટેલથી બહાર પણ આવ્યા નહોતા
નવી દિલ્હી
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે વાહિયાત નિવેદન આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જી20 સમિટ દરમિયાન જ નારાજ અને પરેશાન દેખાઈ રહ્યા હતા. તેમણે લલિત હોટેલમાં ભારતીય સુરક્ષા લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ બે દિવસ સુધી હોટેલથી બહાર પણ આવ્યા નહોતા.
સૂત્રો અનુસાર તે હોટેલમાં પરેશાન દેખાઈ રહ્યા હતા. મોટી વાત એ છે કે રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડિનરમાં પણ ટ્રુડો સામેલ થયા નહોતા. સંમેલન દરમિયાન સુરક્ષાની જવાબદારી સંભાળનારા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ટ્રુડો બારાખંભા રોડ સ્થિત ધ લલિત હોટેલના 16મા માળે સુઈટમાં રોકાયા હતા. દિલ્હી આવતા જ તેમણે ભારતીય સુરક્ષા અને ગાડી લેવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે લેન્ડ ક્રૂઝર ગાડી તેમની સામે આવી છે. સુરક્ષા પણ સાથે જ છે. તેમણે દિલ્હી પોલીસના પીએસઓને પણ સાથે રાખવાની ના પાડી દીધી હતી. પીએસઓને કેનેડિયન સુરક્ષા ઘેરાથી આગળ જવા દેવાયા નહોતા.
ટ્રુડો 9 સપ્ટેમ્બરે જી20 સમિટમાં સામેલ થવા સવારે 9 વાગ્યે હોટેલથી નીકળ્યા હતા. તેના પછી સાંજે 4:30 વાગ્યે પાછા હોટેલ જતા રહ્યા. તેના પછી રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડીનરમાં પણ ન જોડાયા. ડીનરમાં સામેલ ન થવાને કારણે આ મુદ્દો બની ગયો હતો. 10 સપ્ટેમ્બરે તે સવારે રાજઘાટ ગયા. ત્યારબાદ પ્રગતિ મેદાન ગયા. સંમેલનમાં સામેલ થયા બાદ હોટેલ પહોંચ્યા. અહીંથી એરપોર્ટ જવા રવાના થઈ રહ્યા હતા કે બપોરના 3 વાગ્યે કોલ આવ્યો કે વિમાનમાં ખામી સર્જાઈ છે. તેના પછી તેઓ હોટેલમાં જ રોકાયેલા રહ્યા. તેઓ બે દિવસ સુધી હોટેલમાં જ રોકાયા હતા.