સ્થાનિક કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યૂ કરાયા બાદ શેખ આદિલ મુશ્તાક નામના ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરાઈ
જમ્મુ
જમ્મુ-કાશ્મીર પોલીસે એક ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની આતંકી કાર્યકર સાથે કથિત સંબંધોના આરોપમાં ધરપકડ કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યૂ કરાયા બાદ આ ધરપકડ કરાઈ હતી. જે ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરાઈ છે તેમનું નામ શેખ આદિલ મુશ્તાક છે. તેના પર એક આતંકવાદના સહયોગીને ધરપકડથી બચવામાં મદદ કરવા અને તેની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીને ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી.
અધિકારીઓના જણાવ્યાનુસાર શેખ આદિલની બુધવારે નૌગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધરપકડ કરી હતી. તેની સામે ભ્રષ્ટાચાર સહિત્ અનેક આરોપો મૂકાયા છે. તેને શ્રીનગરમાં એક મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા હતા જ્યાંથી 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા.
સૂત્રોનું કહેવું છે કે જુલાઈમાં પકડાયેલા આતંકી આરોપીના ફોનની તપાસથી જાણ થઈ કે આદિલ મુશ્તાક સતત આતંકી કાર્યકરના સંપર્કમાં હતો. તેણે કથિત રીતે તેને કાયદાથી બચવાના ઉપાયો જણાવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર આદિલ મુશ્તાક ટેલીગ્રામ એપ પર આરોપી સાથે સતત ચેટ કરતો હતો. તપાસનું નેતૃત્વ કરી રહેલા એક અધિકારીએ કહ્યું કે આતંકી આરોપી અને પોલીસ ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટ વચ્ચે લગભગ 40 વખત કોલ પર વાતચીત થઈ હતી. તે તેને ગાઇડ કરી રહ્યો હતો.