પુરાવા વગર ભારત પર આરોપ મૂકવાથી કેનેડાની વિશ્વમાં શાખ ખરડાઈ

Spread the love

કેનેડાના મિત્ર દેશો અને બીજા દેશોનું ધ્યાન પણ કેનેડાની પોલિસી તરફ ગયું છે, જેમાં કટ્ટરવાદીઓને શરણ આપવામાં આવી રહી છે

નવી દિલ્હી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ત્રાસવાદીની હત્યાના કેસમાં ભારત પર આરોપો મુક્યા તેના કારણે ટ્રુડોને જ નુકસાન થયું છે. ભારતની વિરુદ્ધ નક્કર પુરાવા ન હોવા છતાં ટ્રુડોએ જે રીતે આરોપો મુક્યા તેના કારણે કેનેડાની શાખ ખરડાઈ છે. કેનેડા જેવા દેશમાં વિદેશી ત્રાસવાદીઓને શરણ મળે છે તેવી છાપ હવે પેદા થઈ રહી છે. કેનેડાના મિત્ર દેશો અને બીજા દેશોનું ધ્યાન પણ કેનેડાની પોલિસી તરફ ગયું છે, જેમાં કટ્ટરવાદીઓને શરણ આપવામાં આવી રહી છે.

યુનાઈટેડ નેશન્સમાં વિવિધ દેશોનો ટેકો મળવા છતાં જસ્ટિન ટ્રુડો પોતાના દાવાના સમર્થનમાં કોઈ પૂરાવા આપી શક્યા નથી. આ ઉપરાંત તેમને ઘરઆંગણે પણ રાજકારણમાં નુકસાન થયું છે અને તેમની લોકપ્રિયતાનું રેટિંગ ઘટી ગયું છે.

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના રાજકારણમાં ટકી રહેવા માટે ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે ઉલ્ટાના કેનેડા સામે સવાલ થવા લાગ્યા છે. દુનિયાના તમામ દેશો ત્રાસવાદ સામે લડવા માટે એક થઈ રહ્યા છે ત્યારે કેનેડા કેમ ઉગ્રવાદીઓને શરણ આપે છે તેવા સવાલ પેદા થયા છે.

ભારતમાં મોદી સરકારે નેશનલ સિક્યોરિટી માટે એક સખત વલણ અપનાવ્યું છે તેની સામે વિશ્વનું ધ્યાન ગયું છે. આ ઉપરાંત ભારતમાં લઘુમતીઓ સાથે થઈ રહેલો વ્યવહાર પણ ચર્ચામાં આવ્યો છે. કેનેડાના વડાપ્રધાને બુધવારે યુએનમાં સપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આરોપ મુક્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોય તેવા નક્કર આરોપો છે. પરંતુ તેમની પાસે નક્કર પૂરાવા હોય તેમ લાગતું નથી.

કેનેડાના અધિકારીઓએ કહ્યું કે જસ્ટિન ટ્રુડોએ કેન્યા, ચિલી, ઈટાલી, જર્મની અને યુરોપીયન યુનિયનના અધિકારીઓ સાથે વાત કરી હતી. પરંતુ સત્તાવાર ડોક્યુમેન્ટમાં કોઈ વધારે વિગત આપવામાં આવી નથી. ટ્રુડોએ જે દેશો સાથે વાત કરી તેમણે પણ ભારત વિશે કંઈ કહ્યું નથી.

હવે કેનેડિયન મીડિયાની નજર જસ્ટિન ટ્રુડોની ભાષા પર ગઈ છે જેમાં કંઈ સ્પષ્ટ સમજાતું નથી. ટ્રુડોએ ભારતીય એજન્સીઓની “કથિત લિન્ક” અને “કહેવાતા આરોપો”ની વાત કરી છે. તેના પરથી લાગે છે કે આગામી ચૂંટણીમાં તેમને પરાજયનો ભય સતાવે છે અને તેથી ખાલિસ્તાન તરફી લોકોના મત મેળવવા પ્રયાસ કરે છે. કેનેડાના અખબાર નેશનલ પોસ્ટે લખ્યું કે ટ્રુડોએ જે આરોપો મુક્યા છે તે હજુ સુધી પૂરવાર નથી થયા તે યાદ રાખવું જોઈએ. ટ્રુડોએ અસ્પષ્ટ ભાષા વાપરી છે અને તેમની પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. તેમણે નક્કર પૂરાવા વગર આવો આરોપ મુક્યો હશે તો તે બહુ મોટું સ્કેન્ડલ ગણાશે.

તાજેતરમાં કેનેડામાં ટ્રુડોની લોકપ્રિયતાનો સરવે કર્યો હતો જેમાં તેનું એપ્રૂવલ રેટિંગ ઘટીને માત્ર 33 ટકા રહી ગયું છે. લગભગ 63 ટકા કેનેડિયનો ટ્રુડોને વડાપ્રધાન તરીકે પસંદ કરતા નથી. તેમની લિબરલ પાર્ટીની સરકાર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના 24 સાંસદોના ટેકાથી ચાલી રહી છે જેના નેતા જગમીત સિંહ ખાલિસ્તાન તરફી હોવાનું કહેવાય છે.

Total Visiters :90 Total: 1011301

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *