આ મામલે લોકસભાના સ્પીકરે તેમને ચેતવણી આપી હતી અને તેમની સ્પીચને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી, રાજનાથે માફી માગી, વિપક્ષના ભાજપ પર પ્રહાર
નવી દિલ્હી
લોકસભામાં ચંદ્રયાન-3 મિશન પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેની ચોતરફી ટીકા થઈ રહી છે. ચર્ચા દરમિયાન જ્યારે રમેશ બિધૂરીને ટોકવામાં આવ્યા ત્યારે તેમણે દાનિશ અલીને ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા સહિત અનેક અપશબ્દો પણ કહ્યા હતા. આ મામલે લોકસભાના સ્પીકરે તેમને ચેતવણી આપી હતી અને તેમની સ્પીચને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી હતી. વિપક્ષે આ મામલે સજ્જડ વિરોધ કર્યો હતો અને બિધૂડી તથા ભાજપ સામે જોરદાર પ્રહાર કર્યા હતા.
javascript:false javascript:false javascript:false javascript:false javascript:false આ મામલે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જ ખેદ વ્યક્ત કર્યો હતો અને તેમણે માફી માગી હતી. તેમણે કહ્યું કે મેં આ ટિપ્પણીઓ સાંભળી નથી અને સભાપતિને આગ્રહ કર્યો છે કે આ ટિપ્પણીઓથી જો વિપક્ષના સભ્યોને ઠેસ પહોંચી હોય તો તેને કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે.
ભાજપ સાંસદ રમેશ બિધૂડી સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે એટલે કે ગુરુવારે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતા અંગે બોલી રહ્યા હતા અને તેનો શ્રેય પીએમ મોદીને આપવા પર ભાર મૂકી રહ્યા હતા. જોકે આ દરમિયાન બસપાના સાંસદ દાનિશ અલીએ જ્યારે તેમને ટોક્યા તો બિધૂડી ભડકી ઊઠ્યા અને તેમણે દાનિશ અલી માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ ગૃહમાં જ કરી નાખ્યો હતો. તેઓએ દાનિશ અલી માટે ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા વગેરે જેવા અત્યંત ઉશ્કેરણીજનક મુસ્લિમવિરોધી શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો.
રમેશ બિધૂડીના નિવેદન પર કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે બિધૂડીએ દાનિશ અલીને જે કહ્યું છે તે અત્યંત ટીકાને પાત્ર શબ્દો હતા. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મામલે માફી માગી છે જે અપર્યાપ્ત છે. આવી ભાષાનો ઉપયોગ ગૃહની અંદર કે બહાર પણ ન થવો જોઈએ. વડાપ્રધાન મોદી કહે છે કે નવા સંસદ ભવનની શરૂઆત નારી શક્તિથી થઈ છે પણ તેની શરૂઆત તો રમેશ બિધૂડીથી થઈ છે… આ રમેશ બિધૂડી નથી પણ ભાજપની વિચારધારા છે. અમારી માગ છે કે રમેશ બિધૂડીનું સભ્યપદ રદ કરવામાં આવે.
તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વિટર પર લખ્યું કે મુસ્લિમો, ઓબીસીને ગાળો આપવી એ ભાજપની સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. મોટાભાગના લોકોને તેમાં ખોટું નથી દેખાઈ રહ્યું. તેમણે પીએમ મોદીને ટેગ કરતાં લખ્યું કે તેમણે ભારતીય મુસ્લિમોને પોતાની જ ધરતી પર ભયની એવી સ્થિતિમાં જીવવા મજબૂર કરી દીધા છે કે તે હસીને બધુ સહન કરી જાય છે.
આપ સાંસદ સંજય સિંહે પણ રમેશ બિધૂડી પર કાર્યવાહીની માગ કરી હતી. રાજદ સાંસદ મનોજ ઝાએ કહ્યું કે હું બિધૂડીને આ માટે દોષિત નથી માનતો કેમ કે આ પ્રકારની શબ્દાવલી અને આવી ભાષા બોલનારા લોકોને કોણ આશ્રય આપી રહ્યા છે? હું દુઃખી જરૂર છું પણ એ વાતને લઈને આશ્ચર્ય થઈ રહ્યો નથી. આ કેસને એ રીતે સમજી શકાય કે એક સાંસદ બીજા સાંસદ સામે કેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યો છે?
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે પણ રમેશ બિધૂડીના આતંકવાદીવાળા નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ શબ્દોનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરાયો હતો. મને એ નથી સમજાતું કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આને કેવી રીતે સહન કરી રહ્યા છે? તેનાથી ખબર પડે છે કે ભાજપ મુસ્લિમો વિશે શું વિચારે છે?