આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા

Spread the love

24 કલાકમાં દ. ગુજરાતમાં જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે

અમદાવાદ 

ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા હતાં. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં સુરતના ચોર્યાસીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નદી-નાળા છલકાઈ ઊઠ્યા હતા. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે.

ગુજરાતમાં ઓગસ્ટ કોરો ધાકોર ગયા બાદ સપ્ટેમ્બરના મધ્યમાંથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ અંકલેશ્વર અને ભરૂચ તરફ પુરના પાણીથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારે આ વિસ્તારો માટે રાહત અને કૃષિ સહાય જાહેર કરી હતી. રાજ્યમાં સિઝનનો 35.60 ઈંચ વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 29.91, ઉત્તર ગુજરાતમાં 27.51, મધ્ય ગુજરાતમાં 30.92, સૌરાષ્ટ્રમાં 34.76 અને દક્ષિણ ગુજરાતમાં 53.78 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ વખતે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં નોંધાયો છે. 

રાજ્યના જળાશયોની વાત કરીએ તો રાજ્યના 207 જળાશયોમાં 94.14 ટકા પાણીનો જથ્થો છે. જેમાં 61 ડેમ સંપૂર્ણ છલકાઈ ગયાં છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 80.35, મધ્યગુજરાતના 17 ડેમમાં 97.78, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 97.35, કચ્છના 20 ડેમમાં 71.64, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.23 ટકા અને સરદાર સરોવર ડેમમાં 97.46 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતમાં 90 ટકાથી વધુ ભરાયેલા 108 ડેમ હાઈએલર્ટ, 80 ટકાથી વધુ ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70 ટકાથી વધુ ભરાયેલા 18 ડેમને ચેતવણી પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 70 ટકાથી ઓછા ભરાયેલા ડેમને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. 

Total Visiters :116 Total: 986786

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *