યુક્રેને દાવો કર્યો હતો કે ક્રીમિયામાં બ્લેક સીની ફ્લિટમાં હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી
મોસ્કો
યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયો છે. રશિયા તાબડતોબ એરસ્ટ્રાઈક કરી રહ્યું છે ત્યારે યુક્રેન પણ તેનો સજ્જડ રીતે મુકાબલો કરી રહ્યું છે. યુક્રેનના વિશેષ દળોએ દાવો કર્યો હતો કે રશિયાના સેવસ્તોપોલ બંદરે બ્લેક સીની ફ્લિટના કમાન્ડર અને રશિયાના સૌથી વરિષ્ઠ નેવી ઓફિસરમાંથી એક એડમિરલ વિક્ટર સોકોલોવને ઠાર મરાયો હતો અને ટોચના નેવી કમાન્ડર સહિત 34 અધિકારીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
યુક્રેને દાવો કર્યો હતો કે ક્રીમિયામાં બ્લેક સીની ફ્લિટમાં હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલયને આ મામલે ટિપ્પણી કરવા કહેવાયું તો તાત્કાલિક ધોરણે આ મામલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. રશિયા ન તો આ ઘટનાને સ્વીકારી રહ્યું છે અને ન તો તેને નકારી રહ્યું છે. યુક્રેને તાજેતરના દિવસોમાં ક્રીમિયા પર એરસ્ટ્રાઈક વધારી દીધી છે. આ એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે. અહીંથી રશિયાએ 19 મહિના લાંબ યુદ્ધમાં યુક્રેન પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. જો રશિયન નેવી કમાન્ડરના મોતની પુષ્ટી થશે તો સોકોલોવની હત્યા ક્રીમિયા પર કીવનો સૌથી ઘાતક હુમલો સાબિત થશે. ક્રીમિયાને રશિયાએ 2014માં યુક્રેનથી છીનવીને તેના પર કબજો જમાવ્યો હતો.