2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો કેનેડાના સિટિઝન બન્યા
નવી દિલ્હી
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે પરંતુ ભારતની સિટિઝનશિપ છોડનારા લોકોમાં અમેરિકા પછી કેનેડા સૌથી ફેવરિટ હોવાનું જોવા મળ્યું છે. વર્ષ 2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો કેનેડાના સિટિઝન બન્યા છે. અન્ય દેશોનું નાગરિકત્વ સ્વીકારવાની વાત આવે ત્યારે અમેરિકા નંબર વન છે જ્યારે કેનેડા બીજા ક્રમ પર છે. વર્ષ 2022માં 2.20 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું હતું. એટલે કે રોજના 603 લોકો ભારતીય નાગરિકત્વ છોડતા હતા અને તેમાંથી 20 ટકાએ કેનેડા પર પસંદગી ઉતારી હતી.
વિદેશ મંત્રાલયે તાજેતરમાં આંકડા જાહેર કર્યા છે તેના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતીયોમાં કેનેડા અત્યંત લોકપ્રિય દેશ છે. પાંચ વર્ષની અંદર 8.4 લાખ લોકોએ ભારતીય સિટિઝનશિપનો ત્યાગ કર્યો હતો. તેમાંથી 1.60 લાખ લોકો એટલે કે 20 ટકાએ કેનેડાની સિટિઝનશિપ સ્વીકારી છે. અમેરિકાના અને કેનેડા બંનેનો સરવાળો કરવામાં આવે તો 58.4 ટકા લોકોએ આ બે દેશની સિટિઝનશિપ સ્વીકારી છે.
વિદેશ મંત્રાલયના ડેટા પરથી એ પણ જાણવા મળે છે કે લોકો પોતાની પસંદગી બદલતા રહે છે અને જે દેશમાં વધારે તક જણાય ત્યાં શિફ્ટ થવાનું પસંદ કરે છે. તેના કારણે જ કેનેડા હવે ટોચના ફેવરિટ દેશોમાં આવી ગયું છે. ખાસ કરીને ત્યાં સારા પગાર, રોજગારીની તક, સારી એજ્યુકેશન અને હેલ્થ સિસ્ટમ તથા ભારતીય સમુદાયની મોટી સંખ્યાના કારણે તેને વધારે પસંદ કરવામાં આવે છે. હાલમાં ભારત અને કેનેડા વચ્ચે ડિપ્લોમેટિક તણાવ ચાલે છે અને બંને દેશોએ પોતપોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. છતાં કેનેડા માટે ભારતીયોના આકર્ષણમાં કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.
2018થી 2023 વચ્ચે પાંચ વર્ષના સમયગાળામાં 8.40 લાખ ભારતીયોએ પોતાનું નાગરિકત્વ છોડ્યું છે અને તેઓ અલગ અલગ 114 દેશોના નાગરિક બન્યા છે જેમાં અમેરિકા અને કેનેડા ટોચ પર છે.
દરેક વર્ષના આંકડા અલગથી જોવામાં આવે તો કોવિડના વર્ષ 2020માં જ ભારતીય સિટિઝનશિપ છોડનારા લોકોની સંખ્યા ઘટી હતી. બાકી દર વર્ષે વધુને વધુ ભારતીયો વિદેશના નાગરિક બની રહ્યા છે. 2018માં 1.30 લાખ ભારતીયોએ પોતાના નાગરિકત્વનો ત્યાગ કર્યો હતો જ્યારે 2022માં આવી રીતે સિટિઝનશિપ છોડનારા લોકોની સંખ્યા 2.20 લાખ હતી. 2023ના હજુ છ મહિના થયા છે, પરંતુ આટલા સમયગાળામાં પણ 87,026 લોકોએ ભારત છોડીને બીજા દેશની સિટિઝનશિપ લીધી છે.
ધનિક વર્ગ અને હાયર મિડલ ક્લાસના લોકોમાં ભારતીય નાગરિકત્વ છોડવાનું પ્રમાણ વધારે છે. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે, હાઈ લાઈફ સ્ટાન્ડર્ડ માટે તથા બિઝનેસમાં ઝડપી પ્રગતિ માટે ભારતને છોડીને બીજા દેશોનું સિટિઝનશિપ અપનાવી રહ્યા છે.