કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત વિરોધી ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી
નવી દિલ્હી
ભારત અને કેનેડા વચ્ચે સંબંધો સતત વણસતા જઈ રહ્યા છે. ખાલિસ્તાની સમર્થકો ભારતને ઉશ્કેરવા માટે દરરોજ વાહિયાત હરકતો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેનેડામાં ખાલિસ્તાની તત્વો દ્વારા કરાયેલા એ દેખાવોની ટીકા કરી હતી જેમાં વડાપ્રધાન મોદીના પોસ્ટર અને કટઆઉટને પગ વડે કચડ્યાં હતા અને ભારતીય રાષ્ટ્ર ધ્વજને આગચંપી કરી હતી.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત વિરોધી ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે હું કેનેડામાં ખાલિસ્તાની તત્વોના જઘન્ય કૃત્યની આકરી ટીકા કરું છું, જેમણે અમારા વડાપ્રધાન મોદીના કટઆઉટ અને પોસ્ટરને લાત મારવાની હિંમત કરી અને ભારતના રાષ્ટ્રધ્વજને આગચાંપી હતી. ભારત સરકાર એ ભારતવિરોધી આતંકીઓ વિરુદ્ધ જરૂરી પગલાં ભરે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેનેડાના ટોરેન્ટો શહેરમાં 100 ખાલિસ્તાનીઓએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાને બાળી નાખ્યો હતો. ખાલિસ્તાનીઓના ડરથી અનેક હિન્દુ પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરુપતવંત સિંહ પન્નુ વતી અગાઉ પણ કેનેડામાં રહેતા હિન્દુ પરિવારોને દેશ છોડવાની ચેતવણી અપાઈ ચૂકી છે.
જૂનમાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેનેડામાં થઇ હતી. ગત અઠવાડિયે કેનેડાની સંસદમાં પીએમ ટ્રુડોએ આ આતંકીની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો હતો. તેમણે ત્યાંની પાર્લામેન્ટમાં કહ્યું કે અમને એ વાતના પુરાવા મળ્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે. જેના બાદ ભારતે કેનેડા પાસે પુરાવા માગ્યા પણ કંઈ મળ્યું નહીં. ટ્રુડોના નિવેદન બાદથી જ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો.