પુટિને કેનેડાના આ પગલાંને વાહિયાત ગણાવ્યું સાથે જ યુક્રેન પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં હુમલો કરવાના રશિયાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
મોસ્કો
ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે પહેલાંથી મુશ્કેલીમાં મૂકાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર વારાફરતી વૈશ્વિક નેતાઓ ભડકી રહ્યા છે ત્યારે આ વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમનો ઉધડો લીધો હતો. જોકે પુટિને ટ્રુડો સરકારને બીજા કારણોસર આડેહાથ લીધી હતી.
માહિતી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન એ પૂર્વ નાજી સૈનિકનું સંસદમાં સન્માન કરવા બદલ કેનેડાની આકરી ઝાટકણી કાઢી હતી. પુટિને કેનેડાના આ પગલાંને વાહિયાત ગણાવ્યું હતું. સાથે જ યુક્રેન પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં હુમલો કરવાના રશિયાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. પુટિને કેનેડાની એવા સમયે ટીકા કરી છે જ્યારે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ભારત સાથે તેના સંબંધો તણાવપૂર્ણ છે.
ખરેખર ગત મહિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી કેનેડા ગયા હતા. અહીં કેનેડાની સંસદને સંબોધી હતી. તે સમયે બીજા વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલર તરફથી લડનારા નાજી સૈનિક યારોસ્લાવ હુંકાને બોલાવાયા હતા. કેનેડાના સ્પીકર એન્થની રોટાએ હુંકાને અસલ હીરો ગણાવ્યા હતા. તેના બાદ કેનેડિયન સાંસદોએ ઊભા થઇને તાળીઓ વગાડી નાજી સૈનિકનું સ્વાગત કર્યું હતું.