ફ્લડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જો સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત
ગંગટોક
તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે અત્યાર સુધીમાં 14 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 102થી વધુ લોકો ગુમ થઇ ગયા. ભયાનક પૂરમાં 22 જેટલાં આર્મીના જવાનોનો પણ કોઈ અતોપતો મળી રહ્યો નથી. આ માહિતી સેન્ટ્રલ વોટર કમીશન દ્વારા આપવામાં આવી હતી.
જો તમે સિક્કિમના સૌથી મોટા ડેમ તીસ્તા 3ના વિનાશના દૃશ્યો પર નજર કરશો તો તમને જણાઈ આવશે કે આ સર્વનાશ પાછળ પૂરના નિરીક્ષણ માટેની સિસ્ટમની નિષ્ફળતા પણ જવાબદાર દેખાશે. ભયાનક પૂરના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 60 ફૂટ ઊંચાઈ ધરાવતો આ તીસ્તા 3 ડેમ ધોવાઈ જાય છે. આ ડેમની 1200 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા હતી અને તે રાજ્યનો સૌથી મોટો ડેમ હતો. આ ડેમનું નિર્માણ 2008માં શરૂ થયું હતું અને 2017માં તેનું કામ પૂરું થયું. તેની પાછળ 14000 કરોડનો ખર્ચ કરાયો હતો.
સિક્કિમમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 4 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર 4 ઓક્ટોબરના રોજ બપોરના 1:30 વાગ્યે સાનકલાંગ સ્ટેશન ખાતે પાણીનું સ્તર 19 મીટર વધી ગયાની માહિતી આપવામાં આવી હતી. જોકે 3 ઓક્ટોબરના રોજ સવારના 10:00 વાગ્યે સેન્ટ્રલ વોટર કમીશનની વેબસાઇટ પર કોઈ રીડિંગ જોવા મળ્યું નહોતું. અહેવાલો અનુસાર તીસ્તા ડેમથી 20 કિ.મી. ઉપર ફ્લડ મોનિટરિંગ કરવાનું કાર્યાલય આવેલું છે. જો 3-4 ઓક્ટોબરે યોગ્ય રીતે મોનિટરિંગ કરાયું હોત તો કદાચ આ વિનાશની સચોટ ભવિષ્યવાણી કરી શકાઈ હોત અને પૂરતી તૈયારીઓ કરી શકાઈ હોત અને ડેમને તૂટતાં પણ બચાવી શકાયો હોત. બીજી બાજુ સીડબલ્યુસીની પૂર વિશે આગાહી કરતી વેબસાઇટ ઉપર પણ કોઈ માહિતી અપલોડ ન થઈ હતી.
દિલ્હીમાં આવેલું એક એડવોકસી ગ્રૂપ સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ, રિવર્સ એન્ડ પીપલ પાણીને લગતાં વિષયો પર પર કામ કરતું એક ઔપચારિક નેટવર્કનું સંગઠન છે. તે આ મામલે સ્વતંત્ર રીતે કામ કરે છે. તેણે સિક્કિમના પૂર વિશે ટ્વિટર પર વિગતવાર માહિતી શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગંગટોકની ઉત્તરે આશરે 90 કિ.મી. દૂર ચુંગથાંગ આવેલું છે અને ત્યાં મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટક્ચરને નોંધનીય નુકસાન થયું હતું. સંરક્ષણ મંત્રાલયને જાણ કરાઈ હતી કે ઉત્તર સિક્કિમમાં બે બ્રિજને નુકસાન થયું હતું. તીસ્તા નદીમાં આવેલા પૂરને લીધે નેશનલ હાઇવે નંબર-10 પર વાહનોની અવર-જવર ઠપ થઈ ગઈ છે.
સાઉથ લ્હોનાક લેક અંગે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, રુરકી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર દ્વારા 2021માં રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બનશે તેવી આગાહી કરી દેવામાં આવી હતી. ખાસ કરીને રિસર્ચરોએ દક્ષિણ લ્હોનાક લેક પર ખતરાને હાઈલાઈટ કર્યો હતો અને લેકના ફેલાવા અને તે ગમે ત્યારે તૂટી પડશે તેવી આગાહી કરતી વિગતો શેર કરી હતી. સિક્કિમમાં આવેલો સાઉથ લ્હોનાક લેક દરિયાની સપાટીથી લગભગ 5200 મીટર ઊંચાઈએ હોવાથી ખતરો વધારે જ હતો. તે એવા 14 ખતરનાક સંભવિત તળાવોમાં સામેલ હતું જ્યાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બની શકે તેમ હતી.
સિક્કિમમાં આવેલી ભયાનક આપત્તિએ ભારે કેર વર્તાવ્યો. ક્લાઈમેટ ચેન્જને લીધે ગ્લેશિયર પીગળવાનું સૌથી વધુ જોખમ રહે છે. દરમિયાન 10 વર્ષ પહેલાં જ પ્રકાશિત ફેબ્રુઆરી 2013માં કરન્ટ સાયન્સ જર્નલમાં ઈસરોના બે વૈજ્ઞાનિકો અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના એક વૈજ્ઞાનિકનું રિસર્ચ પેપર સામે આવ્યું. તેમાં જ તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે સિક્કિમનું સાઉથ લ્હોનલ ગ્લેશિયર પાછળ ખસી રહ્યું છે. તેના લીધે તેના ફાટવા અને તબાહી સર્જાવાની સંભાવના વધુ છે. હવે સવાલ એ છે કે શું આ ચેતવણી બાદ એજન્સીઓએ જરૂરી પગલાં ભર્યા હતા કે નહીં? ફેબ્રુઆરી 2013 માં ડૉ. એસ.એન.રામ્યાએ કરંટ સાયન્સ જનરલ માં છપાયેલા આ રિસર્ચ પેપરમાં સેટેલાઈટના ડેટાનો હવાલો આપી કહ્યું હતું કે સિક્કિમનું લ્હોનાક ગ્લેશિયર 1962 થી 2008 વચ્ચે 1.9 કિ.મી. પાછળ જતું રહ્યું છે. તેના લીધે આ સરોવર તળાવ તૂટવા કે ફાટવાની આશંકા 42% છે. આ ખતરાને જોતાં જ અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવી ખૂબ જ જરૂરી છે.
જોકે સિક્કિમમાં આભ ફાટવાને કારણે આવેલા ભીષણ પૂરમાં ચુંગથાંગ ડેમના તૂટવા માટે રાજ્યની પૂર્વ સરકારને જવાબદાર ઠેરવાઈ રહી છે. સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ અગાઉની રાજ્ય સરકાર દ્વારા કરાયેલું ઘટિયા નિર્માણ જવાબદાર છે. સિક્કિમના સીએમએ આ ત્રાસદી માટે પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકારના વાહિયાત નિર્માણ કાર્યને જવાબદાર ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષમાં વધુ સમય સુધી સત્તામાં રહ્યા હતા.