આ જીત સાથે બાંગ્લાદેશની ટીમના એક મેચમાં બે પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બાદ ત્રીજા સ્થાને છે
ધર્મશાલા
આજે વર્લ્ડ કપની ત્રીજી મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી.
બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. આ જીત સાથે બાંગ્લાદેશની ટીમના એક મેચમાં બે પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બાદ ત્રીજા સ્થાને છે. ત્રણેય ટીમના બે-બે પોઈન્ટ છે. જો કે સારી રન રેટના કારણે ન્યૂઝીલેન્ડ ટોપ પર છે. આજે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 37.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશે 34.4 ઓવરમાં ચાર વિકેટે 158 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં ફિફ્ટી ફટકારવા ઉપરાંત ત્રણ વિકેટ ઝડપનારા મેહદી હસનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશ તરફથી નઝમુલ હુસેન શાંતોએ અણનમ 59 રન બનાવ્યા હતા. તેણે 83 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મહેદી હસન મિરાજે 73 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. શાકિબ અલ હસન 14 રન અને લિટન દાસ 13 રન બનાવીને આઉટ થયો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી, અઝમતુલ્લા ઓમરઝાઈ અને નવીન ઉલ હકે એક-એક વિકેટ ઝડપી હતી.
આ પહેલા અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. ઈબ્રાહિમ ઝદરાન અને અઝમતુલ્લા ઓમરાઈએ 22-22 રનની ઇનિંગ રમી હતી. રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 18-18 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાન માત્ર નવ, મોહમ્મદ નબી છ અને નજીબુલ્લાહ ઝદરાન માત્ર પાંચ રન બનાવી શક્યા હતા. મુજીબ ઉર રહેમાને એક રન બનાવ્યો હતો. નવીન ઉલ હક ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ફઝલહક ફારૂકી ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. શરીફુલ ઈસ્લામને બે સફળતા મળી. મુસ્તાફિઝુર રહેમાન અને તસ્કીન અહેમદે એક-એક વિકેટ લીધી હતી.