ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરતાં ગુનામાં ધારાસભ્યના ઘરમાં કામ કરતાં નોકરની પણ સંડોવણી હોવાનું ખુલ્યું
અરવલ્લી
ભીલોડાના તાલુકાના ભાજપના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં તેમની પત્નીને બંધક બનાવીને લૂંટારૂઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં. ધારાસભ્યના ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટાઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ તેજ કરતાં 23 દિવસ બાદ સફળતા મળી છે. પોલીસે લૂંટ કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છેઆ ગુનામાં ધારાસભ્યના ઘરમાં કામ કરતાં નોકરની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે.
અરવલ્લી જિલ્લાના એસપી શેફાલી બરવાલે મીડિયાને કહ્યું હતું કે, ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લૂંટની ઘટનામાં ઘણા દિવસોથી એલસીબી દ્વારા તપાસ ચાલુ હતી. આ દરમિયાન બાતમીને આધારે વીરપુર બોર્ડર પરથી લૂંટનો માલ વેચવા માટે આવી રહેલા બે લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. જેમાં રાજુ વેલજી અને કાંતિલાલની પુછપરછ કરતાં તેમણે ધારાસભ્યના ઘરના નોકર નંદુનું નામ આપ્યું હતું.
નંદુએ બંનેને બાતમી આપી હતી કે, શેઠના ઘરમાં બહુ પૈસા છે. તમે જાઓ અને લૂંટમાંથી થોડી રકમ મને પણ આપી દેજો. લૂંટનો બનાવ બન્યો તે દિવસે ધારાસભ્યના પત્ની ઘરમાં એકલા હોવાથી નોકર નંદુએ દરવાજાની કડી ખુલ્લી રાખઈ હતી. ત્યાર બાદ અડધી રાત્રે લૂંટારાઓ આવ્યા હતાં અને મહિલાને બંધક બનાવીને ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટીને ફરાર થઈ ગયા હતાં. હાલમાં આ લૂંટની ઘટનામાં લાલાભાઈ નામનો આરોપી ફરાર છે.