ઈડીએ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી ત્યારબાદ તેમને પાંચ દિવસના ઈડી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા
નવી દિલ્હી
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે ધરપકડ કરવામાં આવેલ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઈડી રિમાન્ડ કોર્ટે 13 ઓક્ટોબર સુધી લંબાવી છે. ઈડીએ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને પાંચ દિવસના ઈડી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. સંજય સિંહના રિમાન્ડ પૂરા થતાં તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમની ઈડી રિમાન્ડ લંબાવી દીધી છે.
સુનાવણી દરમિયાન સંજય સિંહે કહ્યું કે, મને રાત્રે 10:30 વાગ્યે કહ્યું કે, તમને બહાર લઈ જવામાં આવી રહ્યા છે. તો તેમને પૂછવા પર જણાવ્યું કે, તમને તુગલક રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મેં ફરી સવાલ કર્યો કે, શું તેના માટે તમે જજની પર્મિશન લીધી છે? મારા અડવા પર તેમણે કહ્યું કે, મને લખીને આપો. મેં લખીને આપ્યું. બીજા દિવસે પણ આવું જ થયું. આનો અર્થ એ છે કે, તેમનો બીજો એજન્ડા છે.
સિંહે કહ્યું કે, હવે જજ સાહેબ એમને પૂછો કે, કયા ઉપરના વ્યક્તિના કહેવા પર મને ઉપર મોકલાવી તૈયારી કરવામાં આવી હતી. આ એમને પૂછો. મારી માત્ર એટલી જ વિનંતી છે કે, જ્યાં પણ લઈ જાઓ જજ સાહેબને બતાવી દો. આ દરમિયાન સંજય સિંહને તેમના પરિવાર અને વકીલને 10 મિનિટ મળવાની મંજૂરી કોર્ટે આપી હતી.
સુનાવણી દરમિયાન ઈડીએ સંજય સિંહની 5 દિવસની રિમાન્ડ માંગી અને કહ્યું કે, તેઓ સવાલના યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા. તેમને તેમના ફોનના ડેટા વિશે પૂછવામાં આવ્યું તો તેના વિશે પણ તેમણે સંતોષકારક જવાબ ન આપ્યો.
કોર્ટના સવાલના જવાબમાં ઈડી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, તાજેતરમાં ચંદીગઢમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે બિઝનેસમેનની નિશાનદેહી પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમણે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે જેનો ખુલાસો અત્યારે કરી શકાય તેમ નથી.
બીજી તરફ સંજય સિંહના વકીલ રેબેકા જોને કહ્યું કે, કસ્ટડી કોઈ અધિકાર નથી, કે જે માંગવા પર એમ જ મળી જાય. તેના માટે તપાસ એજન્સી પર પૂરતા કારણો હોવા જોઈએ. છેલ્લા પાંચ દિવસમાં તેમણે એવા સવાલ પૂછ્યા જેના તપાસ સાથે કોઈ મતલબ જ નથી.